Feeds:
Posts
Comments

Archive for April, 2022

ભારતવર્ષમાં શિવને પરમાત્મ સ્વરૂપ માનવામાં આવે છે. શિવપંથીઓ શિવના વિભિન્ન સ્વરૂપોને પૂજે છે. તેમને મહેશ, ભોલેનાથ, ભોલેબાબા, શિવ, શંકર, નટરાજ વગેરે નામોથી ભજવામાં આવે છે. મંદિરોમાં શિવજીની લિંગ સ્વરૂપે ભજના થાય છે. વિવિધ પોસ્ટરમાં શિવજીને સન્યાસી, રાખ-ભભૂતિ લગાવેલા, સર્પથી આચ્છાદિત, ત્રિશુલધારી સ્વરૂપે દર્શાવાય છે. શિવજીના આવા સ્વરૂપને કેટલાક વૈશ્ણવમાર્ગી અમંગળ માને છે ! હિન્દૂ ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સર્જનહાર, પાલનહાર અને સંહારક સ્વરૂપમાં જોવામાં આવે છે. આ બધી ઉપમાઓ અને પ્રતીકોની પાછળ છુપાયેલું શિવજીનું સાચું સ્વરૂપ શું છે?   

શિવલિંગનું રહસ્ય:

પરમાત્મા એ નિરાકાર છે. તેને સાકાર સ્વરૂપે દર્શાવવા એ તેમને સીમિત કરવા બરાબર ગણાય. એટલે જ ઘણા ધર્મમાં પરમાત્માની કોઈ છબી કે પ્રતિમા રાખવામાં આવતી નથી. આ સાથે એ પણ સાચું છે કે ઈશ્વરના ગુણો અને વૃત્તિઓને પ્રતીકાત્મક રીતે છબી કે પ્રતિમામાં દેખાડવાથી દર્શક એ ગુણ કે વૃત્તિને સહેલાઈથી ગ્રહણ કરી શકે. ગુણોની ભજના કરવાથી આપણામાં પણ એ ગુણો પ્રગટ થાય.    

પુરૂષદેહમાં લિંગ વંશવૃદ્ધિ માટે આવશ્યક છે. વીર્યનો પ્રવાહ નીચેની તરફ વહે તો સંસાર ઉભો થાય અને જો તે ઉપરની તરફ વહે તો આધ્યાત્મ તરફ ગતિ થાય. જેને સંસારના બાહ્ય વિષયભોગમાંથી સુખ લેવાની લેશમાત્ર ઈચ્છા રહી નથી તેને ઉર્ધ્વરેતસ કહે છે. ઈન્દ્રીઓ ભૌતિક જગતમાં સુખ કાજે વર્તે તેને અધોરેતસ કહેવાય. શિવજી એ સહજ ઉર્ધ્વરેતસ અવસ્થામાં સ્થિત છે. શિવલિંગ એ આધ્યાત્મિક જ્ઞાનથી નિજ વૃત્તિઓને અંતરદશામાં વાળવાના પ્રતીકરૂપે છે. શિવલિંગ એ કોઈ બાહ્ય ઘટનાથી ઇન્દ્રિય ઉત્થાનની નહિ પરંતુ સમ્યક દર્શન અને તપથી સ્વયંભૂ આધ્યાત્મિક જ્ઞાનના ઉત્થાનનું પ્રતીક છે. ઘણા પોસ્ટર માં શિવજીના નેત્રો બીડેલા અને લિંગ ઉત્થાન પામેલું દેખાડાય છે જે મનની બાહ્ય ઉત્તેજનાનું નહિ પરંતુ આંતરિક આધ્યાત્મિક ઉત્તેજનાનું સૂચક છે. આમ, શિવલિંગને સંસાર માર્ગથી આધ્યાત્મ માર્ગ તરફ જવાની સાધનાના પ્રતીક રૂપે ભજવામાં આવે છે. 

આપણે શિવજીના વિવિધ સ્વરૂપ અને ગુણોને ઓળખીયે:

શંકર: આંતિરક/બાહ્ય સ્વરૂપ – સન્યાસી / અપરિગ્રહી

શિવજીને સ્મશાનમાં બેઠલા, સ્મશાનની ચિતાની રાખથી લિપ્ત, આંખો બંધ રાખીને ધ્યાનમાં સ્થિત એવા દર્શાવવામા આવે છે. જેઓ દેહભાવથી લિપ્ત છે તેની આંખો અને મન ઈન્દ્રીઓ દ્વારા સંસારમાં સુખ ખોળે છે અને જેઓ આત્મભાવમાં લિપ્ત છે તેની આંખો બંધ અને ચિત્ત આત્મભાવમાં જ સ્થિર રહે છે. શિવજી સંસારી હોવા છતાં સંસારમાં લેપાતા નથી અને હંમેશા આત્મભાવમાં રહે છે. 

શા માટે તેઓ દેહભાવમાં નથી ? કારણકે તેઓ દેહની ક્ષણભંગૂરતા અને આત્મતત્વની અમરતા જાણે છે. દેહને સાધન જાણવાને બદલે સાધ્ય માનવું એ સંસારમાં ભટકવાનું કારણ છે એમ તેઓ જાણે છે. સ્મશાનની રાખ દેહ અને સંસારી જીવનની ક્ષણભંગૂરતા બતાવે છે અને તેઓ ખુદ સ્મશાનમાં બેસે છે. તેનો શું અર્થ ? તેઓ પ્રતિક્ષણ જાગૃત છે. આપણા સહુની સંસારી સુખની દોડ અંતે તો સ્મશાન ભણી જ ને ! આપણને સમયાંતરે સ્મશાન વૈરાગ્ય આવે છે અને પાછું જતું પણ રહે છે. શિવજી પરમ જાગૃતિમાં રહે છે અને એમનું જ્ઞાન-દર્શન નિરંતર “સ્વ” માં જ સ્થિર રહે છે. શિવજી પાસે સંસારની કોઈ કિંમતી વસ્તુઓ નથી અને તેની શિવજીને આવશ્યકતા પણ નથી. તેમને કોઈ ચીજનો પરિગ્રહ નથી કારણકે સંસારની કોઈ વસ્તુથી કાયમી સુખ મળી ન શકે એ તેમના જ્ઞાનમાં છે. જગતની કોઈ ભૌતિક બાબતની ઈચ્છા નથી તેવા શિવજી અપરિગ્રહી કહેવાય !

ભોળાનાથ : આત્મરત

ભોલેનાથ ખરેખર જ ભોળા છે ! એટલે જ જયારે દાનવો કે રાક્ષસો તપ કરીને તેમની પાસે વરદાન માંગે છે ત્યારે તેઓ તેમનામાં અને દેવોમાં કોઈ ભેદભાવ રાખતા નથી અને પ્રસન્નચિત્તે વરદાન આપે છે. અરે કોઈ ખુદ શિવજીને હરાવવાનું વર માંગે તો તેઓ તે પણ આપી દે છે ! પણ શું આવું કરવું સરળ છે ? વિચારો કે કોઈ તમારું કે તમારા નજીકના વ્યક્તિનું નુકશાન કરતુ હોય અથવા તો તમારી દ્રષ્ટિએ એ વ્યક્તિ સારો ન હોય તો તેની સાથે વાતચીત અને વર્તનમાં પણ આપણા એ અભિપ્રાય ની અસર આવી જ જાય છે. સામેવાળાને દોષિત માનવાથી આપણી વાણી, વર્તન તોછડુ અને તિરસ્કારવાળું નીકળે છે. જયારે શિવજી દેવ, દાનવો, રાક્ષસો સહુ ને આત્મા સ્વરૂપે જાણે છે અને એટલે જ સહુને અકર્તા જુએ છે. આત્મા કદી કર્તા બને જ નહિ ! તેઓ જાણે છે કે દેવો તેમના પાછલા જન્મના કર્મબીજના ફળ સ્વરૂપે આ જન્મમાં સારા/શુભ કામો કરે છે અને દાનવો તેમના પાછલા જન્મના કર્મબીજના ફળ સ્વરૂપે આ જન્મમાં ખરાબ/અશુભ કામો કરે છે. તેમાં આત્માનો નહિ અજ્ઞાનનો દોષ છે. શિવજી સહુને તેમના અજ્ઞાનથી અલગ આત્મ સ્વરૂપે જુએ અને જાણે !

શિવજીને ભોળાનાથ કહે છે કારણકે તેમનામાં સાંસારિક બુધ્ધિ બિલકુલ નથી. સાંસારિક બુધ્ધિ ભેદ પડાવે કે આ મારુ અને આ બીજાનું, આ સારું અને આ ખરાબ, આ સાચું અને આ ખોટું. સાંસારિક બુદ્ધિ કામકાજ માટે વપરાય તો કામની ગણાય. પરંતુ આપણે તેને કોઈની સાથે સરખામણી કરવા, કોઈને નીચા પાડવા, કપટ કરવા, કોઈને દોષિત જોવાના કારણો શોધવા માટે વાપરીએ છીએ. ગીતામાં ભગવાને આવી ભુદ્ધિને વ્યભિચારિણી બુદ્ધિ કહી છે. જેમ વ્યભિચાર આપણને સંસારમાં ભટકાવે તેમ આવી બુદ્ધિ આપણને ચાર ગતિમાં ભટકાવે અને સરવાળે આપણું અકલ્યાણ કરે. બધા જ માનસિક રોગો એ આવી બુદ્ધિની દેન છે. જયારે બુદ્ધિ આત્મા ભણી હોય તેવી બુદ્ધિને સમ્યક બુદ્ધિ કહે છે. આવી બુદ્ધિ જગતના યથાર્થ સ્વરૂપને દેખાડે.

એટલે જ આપણા ઉપનિષદ કહે છે 

ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्‌।

तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्‌ ॥ 

સંસારની દરેક વસ્તુ, પરિસ્થિતિને ત્યાગીને ભોગવો. શું ત્યાગવાની વાત છે ? ચીજવસ્તુઓનો કે વ્યક્તિઓનો ત્યાગ? નહિ, આપણી અપેક્ષા, આપણા મોહનો ત્યાગ. આપણી અપેક્ષા જેમ કે અમુક વસ્તુ, પરિસ્થિતિ કે વ્યક્તિ મારી ઈચ્છા મુજબ જ હોવા જોઈએ અથવા બાહ્ય વસ્તુઓ, વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી મને સુખ મળશે એ માન્યતાનો ત્યાગ. જયારે એ અપેક્ષા અને મોહ રહેતા નથી ત્યારે વ્યક્તિ સહજ ભાવે પ્રાપ્તને ભોગવે છે અને અપ્રાપ્તની ચિંતા કરી દુઃખ ઉભું કરતા નથી. વસ્તુનો અભાવ દુઃખદાયી નથી. એ તો આપણે સહેલાઈથી અનુકૂળતા સાધી શકીયે. પરંતુ વસ્તુનો મોહ દુઃખદાયી છે. જેમકે નાના બાળકને અમુક રમકડું ખુબ પ્રિય હોય છે અને તે ન મળતા તે દુઃખી થઈને રડવા માંડે છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે એક સાવ સસ્તા રમકડાં માટે આ બાળક કારણ વગર દુઃખી થાય છે.  બાળકને દુઃખ છે કારણકે તેના માટે રમકડું કિંમતી છે. એ જ બાળક મોટું થતા તેને એ રમકડાંની કિંમત રહેતી નથી અને તે ન મળતા તે  દુઃખી પણ થતું નથી. જોકે હવે તેણે કોઈ બીજા રમકડાંની કિંમત મૂકી છે. મોટાઓના ફક્ત રમકડાં બદલાય છે. જ્યાં સુધી સંસારી રમકડાંની જરૂર કરતા વધારે કિંમત મૂકશું ત્યાં સુધી આપણે તેમાંથી સુખ અને દુઃખ બંને લેતા રહીશું. સંસારી સુખ સાથે દુઃખ આવે જ.

નીલકંઠ : વૈરાગી (સંસારમાં ઉદાસીન)

શિવજીએ સંસારનું હળાહળ ઝેર પીને પોતાના કંઠમાં રાખ્યું તેથી તેઓ નીલકંઠ કહેવાયા. આ સંસારમાં આપણી ઈચ્છા મુજબ ન થાય, દુઃખ, અપમાનો આવે, દેહ અને મનને તકલીફ પડે એ બધું જ સાંસારિક ઝેર કહેવાય. બુદ્ધ ભગવાને કહ્યું કે “આ સંસારમાં દુઃખ જ દુઃખ છે.” સંસારમાં આપણા અહંકારને તોડવાના નિમિત્ત મળ્યા જ કરવાના. આવા સમયે જો દુઃખને દુઃખ ના જાણતા અને સામેવાળાને દોષિત ન જોતા પોતાના કર્મનો હિસાબ છે તેમ જાણીએ તો આપણે નીલકંઠ શિવજીના ગુણ આત્મસાત કર્યા ગણાય. શિવજી સંસારના સર્વ અપમાન, દ્વેષ, નેગેટિવિટીને સહજતાથી સ્વીકારે છે. તેમને એ ઝેર લાગતું નથી માટે તેમના પર એ ઝેરની અસર પણ થતી નથી. એટલું જ નહિ , શિવજી ઝેર પીને આશીર્વાદ પણ આપે છે.

સંસારી દ્રષ્ટિ આવા સમયે સામાવાળાને આપણા દુઃખનું કારણ માનીને દોષિત ગણે છે અને દ્વેષ/વેર ભાવ જન્માવે છે. શિવજી તેમના જ્ઞાનથી સમજાવે છે કે ખરી રીતે આ જગતમાં આપણને જે કઈ સારું/ખરાબ મળે છે તે આપણા જ પાપ-પુણ્યના હિસાબે મળે છે. સામેવાળા તો નિમિત્ત માત્ર છે. જેમ કોઈ ટપાલી આપણને જેલમાં મોકલવાનો પત્ર કે પરીક્ષામાં પાસ થયાનો પત્ર આપે તેમાં તે માત્ર નિમિત્ત છે. આપણા જ કાર્યોનું ફળ આપણને મળે છે. શિવજી સમજાવે છે કે આ જગતમાં જે કોઈ વ્યક્તિનો અહંકાર સંપૂર્ણ ખલાસ થઇ ગયો હોય, જે કલ્યાણ સ્વરૂપ હોય તે બધા શિવ સ્વરૂપને પ્રાપ્ત થયેલા ગણાય. આપણને સંસારી ઝેર પીને શિવ સ્વરૂપ થવાની તક મળતી જ રહે છે. પરંતુ આપણે સામેવાળાને ઝેરનો પ્યાલો પીવડાવીને જાણે કહીયે છીએ કે “મારે શિવસ્વરૂપ નથી થવું.  તું શિવ સ્વરૂપ થા !”

ત્રિનેત્રી: નિર્વિકારી વીતરાગ જ્ઞાની

શિવજીની ત્રીજી આંખ એ તેમની અંતરચક્ષુ છે જે જ્ઞાનેન્દ્રિય છે અને “સમ્યક દર્શન” દેખાડનારી છે. શિવજીએ પોતાની ત્રીજી આંખ ખોલીને કામદેવને ભસ્મ કર્યા એ બતાવે છે કે જ્ઞાનથી વિષયકામને અને સર્વ સંસારી વૃત્તિઓને બાળી શકાય છે. વિષય એટલે શું? સંસારની જે જે બાબતોમાં આપણી ચિત્તવૃત્તિઓ ઝલાઈ જાય છે એ બધા જ વિષય. સંસારની જે જે બાબતોમાંથી કંઈ પણ સુખ લેવાની વૃત્તિ રહે એ બધા જ વિષય. બ્રહ્મચર્ય એટલે કે સંસારની કોઈ બાબતમાંથી સુખ લેવાની બિલકુલ કામના ન રહે અને સદા આત્મ સ્વરૂપમાં જ વૃત્તિ વહે એ અવસ્થા.

વિષય એ ભ્રાંતિનું સુખ ગણાય છે. પૂર્વે વિષયમાં ખુબ સુખ મળશે એવી ભાવના ભાવી હતી તેથી અત્યારે વિષયમાં સુખ ભાસે છે. આપણે સહુ કોઈ સાંસારિક દુઃખમાંથી રાહત મેળવવા વિષયમાં પડીયે છીએ. શિવજીને “સ્વરૂપ”નું યથાર્થ જ્ઞાન જાગૃતિ હોવાથી તેમને નિરંતર આત્મસુખ વર્તે અને કોઈ સાંસારિક દુઃખ અડે જ નહિ. માટે જ તેમને વિષયમાંથી સુખ લેવાની જરૂર જ ન રહે. 

ભક્ત માટે શિવજીનું “સમ્યક” દર્શન:

ભક્ત કહે છે કે એકવાર શિવજીના “દર્શન” થઈ જાય તો બેડો પાર ! પછી બીજું કશું જ જોઈએ નહિ. પરંતુ ખરું દર્શન કોને કહેવું ? માત્ર બાહ્ય દર્શન તો રોજ કરવા છતાં આપણો બેડો પાર ન થયો. ખરેખર તેમની જ્ઞાન જાગૃતિની અવસ્થાના દર્શન કરવાના છે. તેમના આત્મ સ્વરૂપના દર્શન કરવાના છે. તેમનામાં જે “સમ્યક દર્શન” છે એટલે કે : જગત જેમ છે તેમ જોવું એ તેમની રિયલ દ્રષ્ટિને જાણવી અને પોતાની દ્દષ્ટિ પણ “ભ્રાંત દ્રષ્ટિ” માંથી “સમ્યક દ્રષ્ટિ” બને એ દિશામાં પુરુષાર્થ કરવો એ જ થયું શિવજીનું સાચું દર્શન ! “જગત જેમ છે તેમ જોવું” એટલે જગત ચલાવે છે કોણ, કર્તા કોણ છે? આપણું સાચું સ્વરૂપ શું છે એ જ્ઞાન. એ દ્દષ્ટિ મળે પછી સંસારની બીજી કોઈ ચીજની ભીખ ન રહે ! શિવજી જ્ઞાનની અવસ્થામાં છે અને તેમની એ પરમાત્મ અવસ્થા તરફની આપણી સાધના પણ આપણી આત્મદ્રષ્ટિથી શરુ થાય છે. 

શિવજીને સંહારના દેવ કહ્યા છે. આમ જોઈએ તો સંસારમાં કોઈ પણ જાતના સંહારને શુભ ગણવામાં નથી આવતો. તો પછી શિવજી સંહાર કરે તે શુભ કાર્ય કઈ રીતે ગણાય? શિવજી જીવમાત્રની સાંસારિક વૃત્તિનો સંહાર કરે છે, તેમના અજ્ઞાનનો, ભ્રાંતિનો અને મોહનો સંહાર કરે છે. શિવજી જીવમાત્રને શુભાશુભ માંથી શુદ્ધ ભાવમાં રહેવાનું શીખવે છે. શુદ્ધ ભાવ એ જ આત્મ ભાવ. તેઓ પોતાની અવસ્થાથી જીવમાત્રને સમજાવે છે કે સંસારમાં રહીને પણ સંસારથી અલિપ્ત કઈ રીતે રહી શકાય. તેમની આંતરિક અવસ્થા નિરંતર આત્મભાવની ટોચ પર રહે છે. તેમનું આંતરિક સ્વરૂપ આપણને સમજાવે છે કે આપણું ખરું સ્વરૂપ પણ આત્મ સ્વરૂપ છે અને જ્ઞાન સાધનાથી આપણે પણ તેમના સ્વરૂપની મૂળ અવસ્થાને પામી શકીયે અને શિવસ્વરૂપ જે આપણું ખરું “સ્વ”રૂપ છે તેમાં સ્થિર થઇ શકીયે.

સૌજન્ય: અક્રમ વિજ્ઞાન, દાદા ભગવાન ફાઉન્ડેશન, ત્રિમંદીર, અડાલજ 

શિવલિંગનું રહસ્ય : પુસ્તક – શિવનાં સાત રહસ્યો, દેવદત્ત પટ્ટનાયક

Read Full Post »

એક પ્રસંગ કહું છુ – એક હતા નાયક અને એક હતા નાયિકા. બન્ને એકબીજાને પસંદ કરતા હતા. પરંતુ નાયિકાના પિતા નાયકને પસંદ કરતા નહોતા. થોડા સમય બાદ નાયિકાના પિતા નાછૂટકે પોતાની પુત્રીની જીદ સામે માની જાય છે અને બંનેના પ્રેમ લગ્ન થાય છે. થોડા સમય તો બધું બરાબર ચાલે છે. પછી નાયિકા પોતાના પિતાના ઘરે કોઈ પ્રસંગવશ જાય છે. ત્યાં પોતાના પતિનું અપમાન થતું જોઈ નાયિકા ખુબ જ દુઃખ અનુભવે છે અને એ ઘટનાના પ્રત્યાઘાત રૂપે આપઘાત કરે છે. સ્વાભાવિક રીતે જ્યારે નાયકને આ બાબતની જાણ થાય છે તો તેનો ક્રોધ ભભૂકી ઊઠે છે અને નાયિકાના આપઘાત માટે જવાબદાર દરેક વ્યક્તિને સજા કરવા નાયક તૈયાર થાય છે. પરંતુ એક ગુરુવર્ય નાયક ને આમ કરતા અટકાવે છે. ત્યારબાદ નાયક કોઈ બદલો લેતા નથી પરંતુ તેઓ  નાયિકાના દેહને ઊચકીને શોકગ્રસ્ત અવસ્થામાં ફર્યા કરે છે. જયારે બીજા કોઈ ઉપાયો કારગત નીવડતા નથી ત્યારે નાયકને તેમના આ શોકમાંથી બહાર લાવવા એ ગુરુવર્ય નાયિકાના મૃતદેહના અસંખ્ય ટુકડા કરી તેને ચારે દિશામાં ફેંકી દે છે ! 

તમને આ પ્રસંગ ખુબ અજુગતો લાગ્યો હશે. તમને થયું હશે આ તે કેવી વાત ! નાયકના પોતાની પત્ની પ્રત્યેના મોહને દૂર કરવા તેના મૃતદેહના ટુકડા કરી નાખવા અને તેને ચારે દિશામાં ફેંકી દેવા તે વાત બરોબર ગળે ઉતરતી નથી. હવે જ્યારે હું એમ કહું છું કે આ પ્રસંગ કોઈ ફિલ્મ, નવલકથા કે નાટક માંથી  નહીં પરંતુ આપણા જ ધાર્મિક શાસ્ત્રમાંથી લીધેલો છે તો તમને આશ્ચર્ય થશે. અહીં નાયક એટલે શિવ અને નાયિકા એટલે સતી અને ગુરુ એટલે વિષ્ણુ. આપણે એ વાંચ્યું છે કે સતીના પિતા દક્ષરાજે શિવજીને યજ્ઞમાં આમંત્રણ ન આપ્યું અને યજ્ઞ દરમિયાન બધા સામે તેમનું અપમાન કર્યું તેનાથી દુઃખી થઈને સતીએ અગ્નિસ્નાન કર્યું. આની જાણ થતા જ શિવ ભગવાન ના ક્રોધની સીમા ન રહી અને તેઓ સતીના મૃતદેહને લઈને ચારે દિશામાં શોકમગ્ન અવસ્થામાં ફરવા માંડયા. કથા કહે છે કે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી સતીના મૃતદેહનાં ૫૧ ટુકડા કરી નાખ્યા અને તે ટુકડાઓ ભારતમાં જ્યાં જ્યાં પડ્યા તે ક્ષેત્ર શક્તિપીઠ તરીકે ઓળખાયા. પુરાણોની વાતમાં ગહન અર્થ છુપાયેલા હોય છે આ કથામાં મને જે અર્થ દેખાય છે તે આ મુજબ છે. 

આપણે સહુ મૃત્યુના સત્યથી પરિચિત છીએ. કોઈ એક દિવસે સહુએ આ દુનિયા છોડીને આગળની યાત્રા કરવા નીકળી જવાનું છે એ જ્ઞાન આપણને છે જ. છતાં પણ જ્યારે આપણા કોઈ નજીકના વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે આપણને સ્વાભાવિક રીતે જ દુઃખ અને શોક ઉત્ત્પન્ન થાય છે અને એ જ વાતને અહીં શિવજીના શોક દ્વારા દર્શાવવામાં આવી છે. વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી સતીના મૃતદેહના ટુકડે ટુકડા કરી નાખ્યા તેને શાબ્દિક અર્થ ન લેતા તેનો પારમાર્થિક અર્થ લેવાનો છે. અહીં સુદર્શન એટલે સમ્યક દર્શન – એવું દર્શન કે જે આપણને એ દેખાડે કે આપણું મૂળ સ્વરૂપ એ દેહ સ્વરૂપ નહીં પરંતુ આત્મા સ્વરૂપ છે. જેમ સમય જતાં જૂનું કપડું છૂટી જાય છે અને નવું કપડું પહેરાય છે તેવી જ રીતે જૂનો દેહ છૂટે છે અને નવા જન્મમાં નવો દેહ મળે છે. માટે દેહ પ્રત્યેના મોહને આવી સમ્યક્ દૃષ્ટિથી તોડવો એ જ શિવજીના શોકને દૂર કરવાનું કારણ બની શકે. નહીં તો વિચારો કે તમારા સ્વજનના મૃતદેહના કોઈ અસંખ્ય ટુકડા કરી નાખે તો તમારો શોક દૂર થાય કે વધી જાય ? આમ, આત્મા દેહથી અલગ છે અને નવા જન્મમાં એ પોતાની પ્રગતિ કરી રહ્યો છે તેની સમજ જ્યારે આપણામાં સ્થિર થાય છે ત્યારે એ વ્યક્તિ તરફનો આપણો મોહ આપોઆપ જ ઘટતો જાય છે.

જો એ વ્યક્તિ સાથે આપણું ઋણાનુબંધ હશે તો આવતા જન્મમાં એ કોઈને કોઈ સ્વરૂપે આપણને મળશે જ. જેમકે સતીના બીજા જન્મમાં પાર્વતી રૂપે તેઓ ફરી શિવને મળ્યા એવી કથા છે. તો આપણા નજીકના વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેમના માટે પ્રાર્થના કરો કે તેમનો આત્મા આ જન્મના બંધનોમાંથી મુક્ત થઇ અને પોતાની આગળની પ્રગતિ, આગળની યાત્રા કરે. સાથે સાથે તમારા એ વ્યક્તિ સાથેના રાગ-દ્વેષ અને મોહને જુઓ અને તેને સુદર્શન ચક્ર એટલે કે સમ્યક દર્શનથી તોડો. એ વ્યક્તિના જવાથી તમને શારીરિક માનસિક અને ભાવનાત્મક સ્તર પર જે તકલીફ પડશે એમાંથી તમારે જ્ઞાનથી બહાર નીકળવાનું છે. નહીતો એ દુઃખ તમારા સ્વાર્થ માટે જ થયું ગણાશે. એ આત્મા માટે તો આગળ પ્રગતિ શરૂ જ છે. એ વ્યક્તિ પ્રત્યેના સદભાવ કે પ્રેમને નહિ ફક્ત તમારા મોહને તોડવાની વાત છે. જ્યારે આ વાત સમજાય છે ત્યારે મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને જ તેનું સ્વરૂપ ન માનતા તેના આત્માને જોઈ અને તે જીવ બ્રહ્માંડમાં ક્યાંક પોતાની ગતિ માં છે એ ખ્યાલ રહેતા આપનો શોક આપોઆપ ઓછો થઈ જાય છે.

Read Full Post »

નવસારી રેલવે સ્ટેશન પર ઉતરી હું રીક્ષા સ્ટેન્ડ તરફ વધ્યો. ત્રણ રિક્ષાવાળા મારી સામે દોડીને આવ્યા અને પૂછવા માંડ્યા કે ક્યાં જવું છે ? હું થોડો મૂંઝાયો કે કોને જવાબ આપું. મારી દ્વિધા જોઈને એક યુવાન રિક્ષાવાળાએ પૂછ્યું: “બાબા સ્વામી આશ્રમ જોવું છે?”  મેં કહ્યું હા અને હું એ રિક્ષામાં બેઠો. રસ્તામાં નવસારીની એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને ખેતરો જોતા જોતા મેં રિક્ષાવાળા સાથે વાત શરૂ કરી. રિક્ષાવાળા ભાઈ ગ્રેજ્યુએટ હતા અને સૌરાષ્ટ્રના હતા. તેમણે કહ્યું કે આ આશ્રમ નવસારીના લોકો માટે એક મોટી ભેટ સમાન છે. આશ્રમના વાતાવરણમાં દાખલ થતાં જ એક અલગ જ અનુભૂતિ થાય છે. પછી તો તેમણે બાબા સ્વામી અને આશ્રમના વિશે ઘણી વાતો કરી. અંતે દાંડી ગામ વટાવીને બે ત્રણ કિલોમીટરના કાચા રસ્તા પર આગળ વધી ને અમે દરિયાકિનારે આવેલા દાંડી આશ્રમે પહોંચ્યા.

એકદમ શાંત વાતાવરણ કુદરતની એકદમ નજીક એવું સ્થળ જોતાવેંત ગમી જાય તેવું હતું. ત્યાંના વાતાવરણમાં એક અલગ જ ઉર્જા અને સ્થિરતા લાગી. મારી મોટી બહેન ત્યાં આગલા દિવસથી જ પહોંચી ગઈ હતી. તેની વ્યવસ્થા એક સહજ ધ્યાન અને મૌનની અવસ્થાના સ્તર પર લાગી. શરૂઆતમાં તેણે મારી સાથે વાત કરવા પણ પ્રયત્ન કરવો પડતો હોય એટલી ઊંડી અવસ્થામાં તે હોય તેવું જણાયું. મેં ઘરના સભ્યો પાસેથી સાંભળ્યું હતું કે ત્યાં ખૂબ ચેતન્ય પૂર્ણ વાતાવરણ હોય છે.  આશ્રમ માં ધ્યાનમાં બેસતા જ તેનો અનુભવ થયો. ખૂબ જ ઉર્જા મળવા લાગી. રેકી ના અભ્યાસ ને કારણે મને એ ઉર્જા મળે છે એ સંવેદનાની અનુભૂતિ સ્વભાવિક રીતે થાય છે. શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા પામેલી મૂર્તિ એટલે કે મંગલ મૂર્તિ સામે બેસી ને ધ્યાન કર્યું ત્યારે તો ઊર્જાનો જબરજસ્ત અનુભવ થયો. આવો જ અનુભવ મને નીચેની જગ્યાઓમાં થયો હતો.

1. મહેરબાબાની સમાધિ – અહેમદનગર

2. શ્રી સાઈ બાબા ની સમાધી – શિરડી

3. ધૃષ્ણેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ

4. મંગલમૂર્તિ ધ્યાન – અજમેર

હું વિચારતો હતો કે આ ઉર્જા અને રેકી દ્વારા રેકી દ્વારા મળતી ઉર્જા માં કશો ફેર ખરો? આમ જુઓ તો કશો ફેર નથી. રિકી કરતા કરતા પણ ધ્યાનમય અને સ્થિર થઈ જવાય છે. પરંતુ આમ જુઓ તો થોડો ઘણો ફરક છે.

1. બંનેમાં (સમર્પણ ધ્યાન અને રેકી) ઊર્જાની frequency અલગ હોઈ શકે. મને તેનો વધુ ખ્યાલ નથી

2. સમર્પણ ધ્યાન માં ઊર્જાશક્તિ સાથે ધ્યાન પર સૌથી વધુ ભાર મુકાયો છે. રેકીમાં માત્ર હીલિંગ પર ભાર મુકાયો છે.

3 સમર્પણ ધ્યાનમાં આધ્યાત્મ વણાયેલું છે. પોતાનું મૂળ સ્વરૂપ એ આત્મસ્વરૂપ છે કર્તાભાવ એ ભ્રાંતિ છે તે સાથે સામૂહિકતામાં પ્રાપ્ત થતી ગુરુ શક્તિ પર ભાર મુકાયો છે. રેકીમાં અંદરની આધ્યાત્મિક અવસ્થાને જગાડવાની શક્યતા છે પરંતુ તે વ્યક્તિગત પુરુષાર્થ થી આપણે ખુદ કરવાનું રહે છે. સમર્પણ ધ્યાન અને રેકી બંને ત્વરિત અનુભૂતિ કરાવે છે કારણ કે બંનેમાં એનર્જી હીલિંગ થાય છે. સમર્પણમાં હીલિંગ એ શારીરિક, માનસિક અવસ્થાને અને ધ્યાન આધ્યાત્મિક અવસ્થાના વિકાસ ને પોષે છે તેમ મને જણાયું.

પ્રશ્ન થયો: ધ્યાન કેવી રીતે કરવું ?

જવાબ મળ્યો: એ કોઈ ક્રિયા નથી. તેમાં કરવાપણું ના હોય. ડુઇંગ (Doing) એ અહંકારની ક્રિયા છે. બીઇંગ (Being) એટલે કે પોતાના નિજ સ્વરૂપમાં સ્થિર થવું એ ધ્યાન છે. એટલે મને સમજાય તેવા બે સ્વરૂપે ધ્યાનની અવસ્થા અને મે અનુભવી.

1. પોતાનું નિજ સ્વરૂપ એ આત્મસ્વરૂપ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને દેહ થી અલગ છે. તે સ્વરૂપને ઓળખીને તેનું ધ્યાન કરવું. આત્માના ઘણા ગુણો છે જેમાંના મુખ્ય છે: જોવું અને જાણવું. એટલે કે “ સમ્યક દર્શન” – જેવું છે તેવું જોવું. અને “સમ્યક જ્ઞાન” – જેવું છે તે યથાર્થ સ્વરૂપે જાણવું.

કહેવાય છે કે, આત્મા જેવું કલ્પે તેવો થઈ જાય. જો પોતાને દેહ સ્વરૂપે કલ્પે, હું એન્જિનિયર, સારો/ખરાબ, સાચો/ખોટો તો તેવો થાય અને મૂળ સ્વરૂપે કલ્પે તો શુદ્ધ આત્મા થાય. એટલે આત્મતત્વ ની ભજના ધ્યાન અવસ્થામાં કરવી

2. પોતે મારા મન, વાણી, વર્તનથી પર રહીને પક્ષપાત ન રાખીને મારા મન, વાણી, વર્તનને જોવા. જો હું મારી અવસ્થાઓમાં ભળું નહીં તો તે અવસ્થાને યથાર્થ સ્વરૂપે જોઈ, સુખ/દુ:ખ, રાગ-દ્વેષ ના ભાવો ને ભૂસી શકું. મારા રાગ-દ્વેષ ને જ્ઞાનથી ધોઈ શકું અને કોઈને દુ:ખ થયું હોય તો તેનો પસ્તાવો કરી શકું.

ધ્યાનની આ બે અવસ્થાઓનો અનુભવ લઈને બીજે દિવસે સવારે સાડા ચાર વાગે ધ્યાનમાં પહોંચ્યો. વર્ષો બાદ આટલો વહેલો ઉઠ્યો હોવા છતાં શરીર ઉર્જામય અને મન આનંદમાં હતું.

છેલ્લે જ્યારે આશ્રમમાંથી જવાનું થયું ત્યારે લાગ્યું કે એક દિવસનો સમય ઘણો ઓછો રહ્યો. ફરીવાર આવું ત્યારે બે ત્રણ દિવસ રહેવાનું થાય તો મૌન અને ધ્યાનની અવસ્થામાં ઊંડા જઈ શકાય. મારી બહેન ત્યાં હોવાથી તેની સાથે સત્સંગનો પણ લાભ મળ્યો. અમને બંનેને લાગ્યું કે આશ્રમમાં રહેવાનો વધુ લાભ જોઈતો હોય તો આમ કરવું.

1. થોડા વધારે દિવસ આશ્રમમાં રહેવું

૨. બને તો એકલા આવવું જેથી ત્યાં આપણે ફરી એ જ સંસારની કે મારી તારી વાતો કરી એ ભાવમાં ન આવી જવાય.

૩. થોડું ઊંડું ઊતરવું હોય તો આવા વાતાવરણમાં મૌન રહીને જાત સાથે જ સમય ગાળવો.

૪. આશ્રમની ઉર્જા (જે શ્રી શિવ કૃપાનંદ સ્વામીજીના ૪૫ દિવસના ગહન ધ્યાન અનુષ્ઠાન ને કારણે ખૂબ વધારે હોય છે) અને સાધકોની સામૂહિકતા ને કારણે આપણને સાહજિક જ થોડો આધ્યાત્મિક પુશ કે મદદ મળે છે.

બહેન દ્વારા જાણવામાં આવ્યું કે નવસારીમાં કિર્લિયન ફોટોગ્રાફી એટલે કે આપણા આભામંડળ કે ઓરાનો ફોટો પડે છે. તેના દ્વારા આપણી અત્યારની આધ્યાત્મિક સ્થિતિ વિશે જાણી શકાય છે. તો ફરીવાર આશ્રમની મુલાકાતે આવીશ ત્યારે આ ફોટો પણ પડાવીશ એમ વિચારીને નવસારી ભણી વાટ પકડી. ફરી એ જ રિક્ષાવાળા ભાઈ મળ્યા જેમણે પોતાના અને તેમના ઘરના સભ્યોના થોડા અનુભવો કહ્યા અને હું ફરી સ્ટેશન પર પહોંચ્યો. સાથે સાથે નિયમિત ધ્યાન કરવું છે કેવા નિશ્ચય પર પર પણ પહોંચ્યો. પછી તરત સમજાયું ધ્યાનમાં કરવાપણું નથી. નિજ સ્વરૂપમાં સ્થિત રહેવું એ જ તો ધ્યાન છે.

Read Full Post »