Feeds:
Posts
Comments

Archive for the ‘Spiritual’ Category

થોડા સમય પહેલા જ મારુ મૃત્યુ થયુ હતુ. અત્યારે હુ કોઈ અલગ સ્તર પર હતો જ્યાં થોડા સમય રહ્યા બાદ હુ નવો જન્મ લેવાનો હતો. જે પુસ્તક હું વાંચી રહ્યો હતો એ બીજુ કાંઈ નહી પરંતુ મારા જ જુના જન્મોની જીવનકથા હતી. એમાની દરેક કથા મેં એક એક જન્મ જીવીને મૃત્યુ બાદ લખી હતી. એ કથાના બધા જ પાત્રો બીજુ કોઈ નહી પણ હું જ હતો. એ પુસ્તકના છેલ્લા પાનામાં મારી છેલ્લી જીવનકથા લખાયેલી હતી.

આ બધુ એટલુ ત્વરીત અને આઘાતજનક હતુ કે થોડી ક્ષણો તો હુ મુઢ બની ગયો. એ કેવી રીતે બને કે થોડા સમય પહેલા જ મારુ મૃત્યુ થયુ હોય અને મને યાદ ન હોય ? અને મૃત્યુ પછી તરત  હુ આ પુસ્તક વાંચુ ? અને આ જુના જન્મો, પુનર્જન્મ અને મારી ખુદની જીવનકથા ?  હું ગાંડો થઈ ગયો છુ કે શું ? મે મારી આંખો ખોલી. પ્રકાશ હવે પૂર્વવત હતો.

મે જલ્દીથી એ પુસ્તકનુ છેલ્લુ પાનુ ખોલ્યુ. હા મને યાદ આવી ગયુ. મારી જ વાત.. એટલે કે મારા છેલ્લા જન્મનાં જીવનની જ વાત. પરંતુ તો શું ? હું એ કઈ રીતે માનુ કે મારા પહેલાના જન્મો હતા અને તેની વાતો આ પુસ્તકમાં સાચોસાચ લખાઈ છે ?

“હે ઈશ્વર, મને મદદ કરો. તમારી માયાને દુર કરી મને સત્યના દર્શન કરાવો” મે પ્રાર્થના કરી.

મે મારી આંખો બંધ કરી અને જ્ઞાનનો એક પ્રવાહ મારામાંથી સ્ફુર્યો.

“મારે શા માટે આ પુસ્તક – જીવન સાધના વાંચવુ પડ્યુ ?” મેં પુછ્યુ.

“એટલા માટે કે તુ એ વાંચીને જીવનના તારે શીખવા યોગ્ય પાઠો શીખી શકે. જીવન એ અનુભવોની પાઠશાળા છે. દરેક ક્ષણ તમને કશીક શીખ આપે છે.” – જવાબ.

“પરંતુ હુ એમાથી કશુયે શિખ્યો નથી. હું તો ફક્ત તેને વાંચી ગયો. બસ એટલુ જ.”

“એ જ તો ભુલ તુ વારંવાર કરે છે જ્યારે જ્યારે તુ આ પુસ્તક વાંચે છે. દરેક જીવનકથામાં એક ગર્ભીત અર્થ છુપાયેલો છે.

પ્રથમ કથા – બ્રહ્મવેતસની કથા એ તારા દિવ્ય આત્માના વિસ્તારની કથા છે. તુ પરમ દિવ્ય પરમાત્માના અંશરુપ અવતર્યો હતો. તારા સંત માતાપિતાએ તને આધ્યાત્મિક જીવનના સંસ્કાર આપ્યા અને તુ ધીરે ધીરે કર્મના બંધનમાંથી મુક્ત થઈ રહ્યો હતો. તને દરેક જીવ પ્રત્ય ઉંડી અનુકંપા હતી. એટલે જ તે એ સિંહણ અને તેના બચ્ચાઓને મદદ કરી. પરંતુ અજાગ્રુતભાવે કરાયેલુ દરેક કર્મ બંધનકર્તા હોય છે. જ્યારે તે વિચાર્યુ કે મે આમને બચાવ્યા ત્યારે તારામા કર્તાભાવનુ અભિમાન જાગ્યુ અને તુ કર્મના બંધનથી બંધાયો. તુ એ સિંહણ અને તેના બચ્ચાઓની સાથે ઋણાનુબંધના અદ્રશ્ય દોરાથી બંધાયો અને એ ઋણાનુબંધ ચુકવતા તમને સહુને કેટલાયે જન્મો થયા. તે તારા એ જન્મના માતાપિતા જ તારા આગલા જન્મોમા પણ માતાપિતા રહે એવી પ્રાર્થના કરી. એનાથી તમે ત્રણ પણ કેટલાય જન્મ સુધી એ ઋણાનુબંધમાં રહ્યા.

તારા નામ પણ આધ્યાત્મિક અર્થ ધરાવે છે. બ્રહ્મવેતસ એટલે જે બ્રહ્મને જાણવાના માર્ગે ચાલે છે તે. તારા પછીના જન્મમાં તું ઉત્તમાનસ બન્યો. જેનુ મન ઉત્તમ છે તે. આમ તારુ આત્માના પદથી મનની અવસ્થામાં પતન થયુ.

ઉત્તમાનસના જન્મમાં તને સત્ય પ્રત્યે અપાર પ્રેમ હતો. પરંતુ તુ ફક્ત સાપેક્ષ સત્યને જાણતો હતો નિરપેક્ષ સત્યને નહી. જે સત્ય મનના સાચા-ખોટાના ખ્યાલોથી બંધાય છે એ કદી અંતિમ સત્ય નથી હોતુ. સત્ય મનની અવસ્થાઓથી પરે છે. પરિસ્થિતિઓ અનુકૂળ-પ્રતિકૂળ થતી રહે એ સંસારનો નિયમ છે. જે આ બધી અવસ્થાઓ માંથી પસાર થવા છતા લેશમાત્ર બદલાતુ નથી એ આપણૂ મુળ સ્વરુપ. અને એ જ અંતિમ સત્ય છે.

કહેવાની જરુર ખરી કે તારા ત્રણ મિત્રો એ પાછલા જન્મના સિંહણ અને તેના બચ્ચા હતા. શશિવ્રતને એટલે જ સિંહ-વાધ ખુબ પસંદ હતા. એ દિવસે પેલા સિંહ પણ અજાણતા જ શશિવ્રત સાથેની એ કડીને ઓળખીને તમારી પાછળ આવ્યો હતો. જોકે પછી તેને બાળકના રુપમાં શિકાર મળી જતા તે જતો રહ્યો હતો.

આદિવાસીના સરદારે ધર્મ વિરુધ્ધ આચરણ કર્યુ. પરંતુ તે પણ એમનુ અનુકરણ કર્યુ. એ નિયત હતુ કે સરદાર તમને સજા કરે એ પહેલા બાળકની માતા તમને માફ કરવાની અરજ કરી તમને બચાવી લેશે. પરંતુ ક્રોધ અને બદલાની આગમાં તે અંધ બનીને હુમલો કર્યો અને તુ માર્યો ગયો. આમ, તે ઈશ્વરની યોજનામા ખલેલ પાડી અને તેને ઠીક કરતા બીજા કેટલાયે જન્મો નિકળી ગયા. નિયતી એ એક એવી શક્તિ છે જે મનુષ્યને કોઈ ચોક્કસ દિશામા લઈ જાય છે. પરંતુ એ દિશામા દરેક પગલા કેમ ભરવા અને પરિસ્થિતિઓનો પ્રતિભાવ શું આપવો એ આપણા હાથમાં છે.

દિવાકરના જન્મકાળમાં તારુ અધઃપતન થતુ અટક્યુ. તે એ સમય હતો જ્યારે તારો આધ્યાત્મિક વિકાસ ધીરેધીરે યોગ્ય દિશામાં શરુ થયો હતો. દિવાકર એ તારુ અતિ ગહન સ્વરુપ હતુ. તું ખરે જ જ્ઞાન-પિપાસુ હતો. પરંતુ તે પાછલા જન્મોમાં કેટલાયે સંસ્કાર અને વૃત્તિઓ એકઠી કરી હતી. આથી જ, તે આધ્યાત્મનુ ઉચ્ચ શિક્ષણ લીધુ હોવા છતા એ સંસ્કારો અને વૃત્તિઓ તારા પર હાવી થઈ ગઈ. આવી જ એક ન સંતોષાયેલી વૃત્તિ હતી જ્ઞાન અને કીર્તિ માટેનો મોહ.

તારા જાતી વિશેના વિચારો યોગ્ય હતા પરંતુ તારા જીવનએ એ બતાવી આપ્યુ કે આ પધ્ધતિ યોગ્ય હતી. જેઓ આ જ્ઞાન પચાવી ન શકે તેઓ તેને પોતાના અને બીજા માટે હાનિકારક બનાવી દે છે.

જે રાજાના પુત્રે તને મદદ કરી હતી એ બીજા કોઈ નહી પણ પ્રભુ શ્રી રામ હતા. તને થશે કે જો તેઓ ઈશ્વર હતા અને જાણતા હતા કે તારી કીર્તિ ચાહના અયોધ્યા માટે શાપ સમાન પુરવાર થશે તો એમણે તને શા માટે મદદ કરી ? કારણકે એ જ નિયતિમાં હતુ. એ પ્રભુની યોજના હતી અને તમે બંને એમા તમારો ભાગ ભજવતા હતા. તારા માન અને કીર્તિ માટેનો મોહે તને એ નનામો પત્ર લખાવ્યો. જો કે એ પત્ર તેની રીતે બીલકુલ યોગ્ય હતો પરંતુ જે આશયથી તે તેને લખ્યો, તેને કારણે તુ તેના કર્મફળમાં બંધાયો. તુ તારી જાતને અંત સુધી ધિક્કારતો રહ્યો. વારંવાર એ યાદ કરીને તુ જાણે એ ભુલ ફરી ફરીને જીવવા લાગ્યો.  અને તારા એ પત્ર લખવાનુ ફળ તને મળ્યુ જીવનભર ધિક્કાર અને નિરાશારુપે !

તને એ ખ્યાલ ન આવ્યો કે તુ નિયતિના યોજનાના એક ભાગરુપે જ કામ કરી રહ્યો છે. આ ઘટનાને સાંકેતીક રીતે જોઈએ તો સિતાજી ભક્તિ, રામ બ્રહ્મ અને રાવણ  જીવનો અહં દર્શાવે છે. ભક્તિને અહંનો થોડો પણ સ્પર્શ થાય તો એ ભક્તિના મુળ સ્વરુપ તથા ભક્ત અને ભગવાન વચ્ચેના એ પવિત્ર સેતુને તોડી નાખે છે. પરંતુ માયા અને ભક્તિ બંને સ્ત્રીરુપા છે. અને ખરા ભક્તની ભક્તિ માયાના સકંજામાં કદી ન આવે. સિતાજી પણ પરમ પવિત્ર હતા , અહંકારના લેશમાત્ર સ્પર્શ વિના.

વજ્રચિત્રના જીવનનો પણ ખુબ મહત્વનો ઉદ્દેશ હતો. તે એ સમય હતો જ્યારે તારામાં કામના અને ઈર્ષા એ બે વૃત્તિઓ વધારે હતી. સત્કર્મો કરવા માટે સત્તાની કામના અને જે લોકો સત્તાનો દુરઉપયોગ કરતા હોય તેમના પ્રતિ ઈર્ષા અને ધૃણા. આ રાજસીક વૃત્તિઓ તારા આધ્યાત્મિક વિકાસને માટે અવરોધરુપ બની. વિકાસની એ ઉચ્ચ અવસ્થાએ સાત્વિક,રાજસિક અને તામસિક એ ત્રણેય વૃત્તિઓ નડતરરુપ બની શકે જો સાધક પુરતો જાગ્રુત ન રહે તો.

વજ્રચિત્ર નામ વજ્ર અને ચિત્ર નામની સુશુમ્ણા નાડીના બે ભાગ પરથી પડ્યુ છે. સુશુમ્ણા નાડીનુ એક મુખ કુંડલીનીમાં ખુલે છે અને તે શરીરના છ મુખ્ય ચક્રોને ભેદીને સાતમા ચક્ર સહસ્ત્રારમા મળે છે. સાંકેતિક રીતે જો દ્રૌપદીને કુંડલીની શક્તિ અને પાચ પાંડવોને પહેલા પાંચ ચક્રો તરીકે લઈએ તો દ્રૌપદીને આદર આપીને તુ તારા એ મૂળભૂત આત્મ સ્વરુપને ભજતો હતો. અહંકાર ન હોવાથી પરમ સત્ય તરફનો વિકાસ પણ ખુબ જડપી હતો. પરંતુ કોઈ એક સમયે તારા પાચ ચક્રોનુ સંતુલન ખોરવાયુ. આને કારણે પ્રાણ શક્તિ સહસ્ત્રાર સુધી ન પહોચી શકી અને તુ વિવિધ વૃત્તિઓના હુમલા સામે નિરાધાર બન્યો. આમ,તારામા ઈછ્છા અને ઈર્ષા એવી વૃત્તિ બળવત્તર બની. જો પ્રાણ શક્તિ કામના અને અહંકારને તાબે રહે તો એ વ્યક્તિને બાહ્ય ઈદ્દ્રિય અને વિષયોમાં પ્રવૃત્ત કરે છે.

તુ કદાચ તોયે એ વૃત્તિને જીતી શક્યો હોત જો તુ તારી આસક્તિ માટે લડ્યો ન હોત. એ આસક્તિએ તારામાં કામના જગાડી. અને જ્યારે એ કામના પુરી ન થઈ શકી ત્યારે તુ ક્રોધીત થયો. અને એ ક્રોધ સાથે જ તુ તારી સમતા ખોઈ બેઠો અને તારા ધર્મને ભુલ્યો. તને તારા કર્મના આધ્યાત્મિક ફળ જોઈતા હતા. પરંતુ તારે તેની કિંમત ચુકવવી પડી. હરીના માર્ગમાં પ્રભુપ્રાપ્તિ સિવાયનો કોઈ હેતુ પવિત્ર નથી. તારે હજુ વધુ પવિત્ર થવાની જરુર હતી.

આમ તારા દરેક જન્મમાં કોઈ મુળ દોષ પ્રમુખ રહ્યા. બ્રહ્મવેતસને કર્તાભાવનુ અભિમાન થતા તે કર્મફળમાં બંધાયો. ઉત્તમાનસને આધ્યાત્મિક સાધનાનો મોહ અને આદિવાસીઓ પ્રત્યેનો ક્રોધ અને દ્વેશભાવ બંધનકર્તા બન્યો. દિવાકરને માટે કીર્તિનો લોભ અને સ્વનો ધિક્કાર પતનના કારણ બન્યા. અને આમ તે તારા છેલ્લા જન્મ સુધી કેટલાયે જન્મ લીધા અને કેટલાયે પાત્રો ભજવ્યા. તુ કેટલાયે નવા પાઠો શિખ્યો, કેટલાયે જુના પાઠો ભુલી ગયો , કેટલાયે કર્મના ફળ ભોગવી તેમાથી મુક્ત થયો, કેટલાયે નવા કર્મફળ બાંધ્યા અને આ જ ચક્રમાં તુ દોરવાતો રહ્યો.

“હે ઈશ્વર !!” હું ફક્ત આટલુ જ બોલી શક્યો.

થોડીવારે કળ મળતા હુ બોલ્યો, ” પણ હુ આ બધા જન્મો જીવી ગયો હોય હુ એ બધુ ભુલી કેમ ગયો ?”

“કારણકે તુ હંમેશા તારી જાતને નવા પાત્ર સાથે એવો જોડતો રહ્યો કે તુ તારો ભુતકાળ ભુલતો રહ્યો. તારા જીવન વિશેની વાતમાં પણ તે હંમેશા હું ઉત્તમાનસ હતો હુ દિવાકર હતો એમ લખવાને બદલે અને હુ દિવાકર છુ હું ઉત્તમાનસ છુ એમ લખ્યુ છે. આટલી આસક્તિ હતી તારી તારા શરીર સાથે.” – જવાબ

“આ પ્રકારનુ પુસ્તક લખવાનો શો હેતુ છે ?”

“એટલા માટે કે તુ તેને વાંચી શકે અને જીવનની ક્ષણભંગુરતાને અને આધ્યાત્મિક સાધનાના મહત્વને સમજી શકે. એટલા માટે કે તુ સમજે કે તુ પહેલેથી જ કેટલાયે સત્યોને જાણે છે અને તારે એ વારંવાર જાણવાની કે ભુલવાની જરુર નથી. એટલા માટે કે તુ જાણે કે તુ જીવનમાં હાંસલ કરવા યોગ્ય બધુ જ કેટલીયે વાર હાંસલ કરી ચુક્યો છે અને તારે ફરીથી એ ભૌતિક સુખ પાછળ તારુ જીવન વેડફવાની જરુર નથી. એટલા માટે કે તુ એ જાણે કે તુ પહેલેથી જ બધી જ લાગણી અને ભાવોને અનુભવી ચુક્યો છે અને તારે આ જન્મમાં એની રાહમાં રહેવાની જરુર નથી. એટલા માટે કે તુ એ જાણે કે જીવનમાં એક જ કર્મ કે જે કરવાનુ હજી બાકી છે તે છે પરમ ઈશ્વરની સાધના અને મુક્તિ. અને તારા જીવનનો મુળ હેતુ જ આ મુક્તિનો છે.”

“પણ કોઈ તે શિખતુ નથી.”

“ના, એવુ નથી. કેટલાક જલ્દી શીખે છે ને કેટલાક ધીમે. પરંતુ અંતે તો સહુ ત્યાં જ પહોચવાના છે.”

“પરંતુ હવે હુ શીખી ગયો. મારા જીવનનો ઉદ્દેશ સફળ થયો.”

“ના, જાણવુ અને જીવવુ એ બંને અલગ બાબત છે. ખરી સાધના એને જીવી બતાવવામાં છે.”

“પરંતુ તો હુ આ બધી અત્યારે જ કેમ સમજ્યો ?”

“કારણકે પહેલા તે જીવન સાધના પુસ્તકને વાંચવાની તસ્દી નહોતી લીધી.”

“એટલે કે અંતરાવલોકન , ખરુ ને ?”

“હા, સ્વનુ સાક્ષીભાવથી અવલોકન.”

“શુ મુક્તિ માટેની સાધનાનો કોઈ નિશ્ચિત સમય છે ?”

“ના, જો વ્યક્તિ તેના મુળ સ્વરુપમાં સ્થિર રહે તો મુક્તિ એક ક્ષણમાં પણ મળી શકે.”

“લાગે છે મારા બધા પ્રશ્નો દુર થયા છે. પ્રભુ મને તમારો આશિર્વાદ આપો.”

અને આમ હુ ફરી અહી આવ્યો છુ નવુ જીવન જીવવા , નવા સત્યો જાણવા , જાણેલા સત્યોને યાદ કરવા, આત્મ સાક્ષાત્કાર કરવા અને જીવન સાધના પુસ્તકના અંતિમ પાને આવુ કંઈક લખવા…

હું પરમ શુધ્ધ આત્મા છું…

Advertisements

Read Full Post »

મારી માતૃભાષાને મારા પ્રથમ પ્રણામ. જેમ બાળકને પ્રથમ સ્નેહ એની માતા તરફથી જ મળે છે એમ જ મને ભાષા અને સાહિત્ય પ્રત્યેનો લગાવ મારી માતૃભાષા ગુજરાતી ભાષાથી જ શરુ થયો. શરુઆત થઈ હાઈકુ અને મુક્તકથી. દસમા ધોરણમા પહેલુ કાવ્ય લખ્યુ. વિષય – મૃત્યુ. ખબર નહી એ કઈ રીતે સ્ફુર્યો !! પછી બારમા ધોરણ સુધીમા ૩-૪ કાવ્યો લખ્યા. પણ ખરી શરુઆત થઈ કોલેજમાં. ત્યારે મારુ વાંચન પણ ઘણુ વધ્યુ હતુ. મારી સહુથી ઉંડી લાગણીઓ ઝીલાઈ છે એ સમયના કેટલાક સુંદર કાવ્યોમાં.

એમાની કેટલીક કૃતીઓ અહી રજુ કરવાની ઈચ્છા છે. સાથે સાથે મારા કેટલાક વિચારો ગુજરાતીમા રજુ કરવાનો પ્રયત્ન કરીશ. કોઈ ખાસ વિષય વિચાર્યો નથી. જે ગમ્યુ એનો ગુલાલ કરીશ..આશા રાખુ કે આ અનંતના પ્રવાસીની મુસાફરી હંમેશા પ્રગતીશીલ બની રહે…

શુભ યાત્રા…

Read Full Post »