Feeds:
Posts
Comments

Archive for June, 2010

આપણે સહુએ આપણી આજુબાજુમાં દારુણ ગરીબીમાં સબડતા ઘણા લોકોને જોયા હશે. આપણામાંથી ઘણાં એ દ્રશ્ય જોઈને અંદરથી હચમચી પણ ગયા હશે. એમાથી થોડા લોકોએ તેમને યથાયોગ્ય મદદ પણ કરી હશે. પણ આવી ક્યારેકની મદદ તેમની પરિસ્થિતીને બદલી નથી શકતી. એવો કોઇ ઉપાય ખરો કે જેનાથી તેમને પગભર બનાવી શકાય કે જેથી તેઓ ખુદ પોતાનુ ભવિષ્ય સુધારી શકે ?

એક ઉપાય છે તેમને થોડા પૈસા આપીને નાના કામધંધા માટે પ્રોત્સાહીત કરવાનો. એ માટે બેંકની મદદ લઈ શકાય. પણ દરેક બેંકના લોન આપવાના પોતાના નિયમો હોય છે અને જેમને બે ટંક રોટલાના ફાંફાં પડતા હોય તેમને બેંક કઈ ગેરેન્ટી પર લોન આપે ? જે લોકો શાહુકાર કે નાણા ધીરનાર પાસેથી ઉંચા વ્યાજે પૈસા લાવે છે તેમનુ તો આખુ જીવન એ વ્યાજ ચુકવવામાં જ ચાલ્યુ જાય છે. શું આ સમસ્યાનો સમાજ કોઈ ઉકેલ ન લાવી શકે ? શું સમાજના પગભર લોકો નાની નાની મદદ વડે એક મોટી ક્રાંતિ ન લાવી શકે ? મધર ટેરેસાએ કહ્યુ છે, “બહુ ઓછા લોકો મહાન કાર્યો કરી શકે છે, પણ દરેક વ્યક્તિ નાનુ કાર્ય પ્રેમ અને નિષ્ઠાપૂર્વક કરીને તેને મોટુ બનાવી શકે છે.” આવુ એક નાનુ પણ પ્રેરણાદાયી કાર્ય આજે વિકસીને લાખો લોકોના જીવનને ઉજાળે છે. ઍ પ્રેરણાદાયી કાર્ય છે બાંગ્લાદેશની ગ્રામીણ બેંક અને તેના સ્થાપક છે ડો. મોહમ્મદ યુનુસ.

આ સમય છે ૧૯૭૪ નો. ત્યારે બાંગ્લાદેશ એક રાષ્ટ્ર તરીકે હજુ નવુસવુ હતુ. એ દરમિયાન વાવઝોડા, પુર, દુકાળ અને થોડા રાજનિતિક કારણોને લીધે બાંગ્લાદેશના લાખો લોકો માર્યા ગયા હતા. ડો.યુનુસ અમેરીકાથી અર્થશાસ્ત્રમા ડોક્ટરેટની ડીગ્રી લઈને તાજેતરમાં જ પાછા આવ્યા હતા. બાંગ્લાદેશની પરિસ્થિતિ જોઈને તેમને ખુબ આઘાત લાગ્યો.  જ્યારે દેશમાં લોકો મરવાને વાંકે જીવતા હાડપિંજર જેવા હોય ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને ફક્ત અર્થશાસ્ત્રના પાઠો ભણાવવા એ તેમને દંભ લાગ્યો. તેમને થયુ કે તેઓ જે કંઈ પણ ભણ્યા છે તે બધુ પુસ્તકીયુ જ્ઞાન છે જે જીવનના પ્રશ્નોને ઉકેલી નથી શકતુ. અને તેઓ લોકોના પ્રશ્નોને સમજવા યુનિવર્સીટી નજીકના ગામડાઓમા જવા લાગ્યા. તેઓ ગ્રામલોકોના જીવનને ઉપર-ઉપરથી,તર્કબુધ્ધીથી નહી પરંતુ એક ધરતીના જીવની જેમ અનુભવવા, સમજવા અને ઉકેલવા માંગતા હતા. તેમાનો એક અનુભવ તેમને એક નવી જ દીશામા લઈ ગયો.  

તેઓ એક અતિ ગરીબ મહીલાને મળ્યા જે વાંસની ચીજવસ્તુઓ બનાવતી હતી. લાંબી વાતચીતને અંતે તેમણે જાણ્યુ કે તે મહીલાને એક દીવસના ફ્ક્ત ૨૦ પૈસા મળતા હતા. તેઓ એ માની ન શક્યા કે આટલી મહેનતથી આટલા સુદર વાંસની ચીજો બનાવનાર વ્યક્તિ આટલુ ઓછુ કમાતી હતી ! મહીલાએ જણાવ્યુ કે તેની પાસે વાંસ ખરીદવાના પૈસા નહોતા એટલે એ વાંસ તે કોઈની પાસેથી ખરીદતી હતી. એ વ્યક્તિએ એવી શરત મુકી હતી કે મહીલા પોતાની ચીજો ફક્ત તેને જ,તે કહે એ ભાવે વેંચી શકે. એ વ્યક્તિ આ ચીજોને ૧૦ ગણી કિંમતે બજારમા વેચતો હતો.

ડો.યુનુસે વિચાર્યુ : લોકો ૨૦ પૈસા માટે આટલી તકલીફમાં મુકાઈને જીવે છે અને કોઈ કાંઈ ન કરી શકે?  તેમના મનમાં તુમુલયુધ્ધ ચાલ્યુ. શુ આ મહીલાને પૈસા આપી એક સમયનો પ્રશ્ન હલ કરવો? પરંતુ તેઓ કામચલાઉ ઉપાય નહોતા કરવા માંગતા. અંતે તેમણે નક્કી કર્યુ કે સહુ પ્રથમ આ વિસ્તારમાં જરુરતમંદ લોકોની યાદી બનાવવી. ઘણા દિવસોની મહેનતને અંતે તેમણે ૪૨ લોકોની યાદી તૈયાર કરી. જ્યારે તેમણે જરુરી પૈસાની ગણતરી કરી તો સરવાળો થયો ફક્ત ૧૦૦૦ રુપીયા !! જે સમાજ ૪૨ મહેનતકશ લોકોને ૧૦૦૦ રુપીયા ન આપી શકે  એ સમાજના નાગરીક તરીકે જીવવામાં તેમને શરમ આવી !!

તેમણે એ દરેકને જોઈતા પૈસા આપ્યા – લોન તરીકે. દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતાએ તેને ચુકવી શકે. અને હા, દરેક વ્યક્તિ પોતાની ચીજો જ્યાં પણ સારો ભાવ મળે ત્યાં વેચવા સ્વતંત્ર હતી. એ મહીલાની આંખમા આંસુની ચમકમાં ડો.યુનુસને નવો વિચાર સ્ફુર્યો. જો આ કામ માટે બેંકની મદદ લેવામા આવે તો કેટલાયે લોકોને તેનો લાભ મળી શકે ! તેઓ યુનિવર્સીટીની બેંકના મેનેજરને મળ્યા અને ગરીબોને લોન આપવાની વાત કરી. તેમને તો જાણે ધરતીકંપનો આંચકો લાગ્યો ! તેમણે ડો.યુનુસને કહ્યુ કે આવુ તો કોઈ પાગલ જ વિચારી શકે. આ શક્ય જ નથી. ગરીબોને લોન કઈ રીતે મળે ? તેમની પાસે જામીનમા મુકવા માટે કશુ જ નથી. તેઓ પૈસા પાછા કંઈ રીતે આપશે ? ડો.યુનુસે તેમને એક તક  આપવાની વિનંતી કરી. આમ પણ લોનની રકમ ખુબ જ નાની હતી. પરંતુ મેનેજરે બેંકના નિયમોને આગળ કરી તેમને ના પાડી દીધી.

ડો.યુનુસ હવે બેંકના ઉપરી અધિકારીઓને મળ્યા. પણ બધાનો જવાબ એક જ હતો. કોઈ વિનંતીની તેમના પર અસર ન થઈ. આખરે ડો. યુસુફ લોન બાબતે મધ્યસ્થ બનવા તૈયાર થયા. તેઓ કાયદેસર રીતે લોનના પૈસાની ગેરેન્ટી આપવા અને જો લોન લેનાર પૈસા પરત ન કરે તો ખુદ ચુકવવા તૈયાર થયા.  આટલી બાંહેધરી મળ્યા બાદ બેંક ડો.યુનુસને લોનના પૈસા આપવા તૈયાર થઈ. સામે ડો.યુનુસ લોનના પૈસા તેમની ઈચ્છા મુજબના વ્યક્તિને આપવા સ્વતંત્ર હશે તેમ બેંકે કબુલ્યુ. આમ તેઓ બેંક પાસેથી પૈસા લઈ ગરીબોને વહેચી દેતા.

આ હતી તેમના નાના કામની શરુઆત. બેંકના અધિકારીઓ તેમને હંમેશા કહેતા કે એ ગરીબ લોકો તેમને પૈસા પાછા નહી આપે. પણ ડો.યુનુસ કહેતા કે હુ એક પ્રયત્ન જરુર કરીશ. અને નવાઈની વાત એ બની કે બધા જ લોકોએ લોનના પૈસા ચુકવી દીધા ! ડો.યુનુસે અત્યંત ઉત્સાહથી આ વાત મેનેજર ને કરી. પણ મેનેજરે કહ્યુઃ “એ લોકો તમને બનાવી રહ્યા છે. થોડા સમયમાં જ તેઓ મોટી રકમની લોન લઈ જશે અને પછી કદી પરત નહી કરે !” અને ડો.યુનુસે તેમને થોડી મોટી રકમની લોન આપી. અને બધા જ પૈસા પાછા આવી ગયા. પરંતુ મેનેજર મક્કમ હતા. “કદાચ એકાદ ગામમાં આવુ ચાલે, પણ બીજા ગામમાં આવુ કરશો તો બિલકુલ નહી ચાલે !” અને ડો.યુનુસે બીજા ગામમા લોન આપવાનુ શરુ કર્યુ અને તે પણ સફળ થયુ.

હવે આ વાત ડો.યુનુસ અને બેંકના ઉપરી અધિકારીઓને માટે એક યુધ્ધ જેવી બની ગઈ. તેઓ હંમેશા કહેતા રહ્યા કે પાંચ-પચાસ-સો ગામડામા આવુ ન ચાલી શકે. અને ડો.યુનુસે એ બધુ કરી દેખાડ્યુ. આ પરીણામો બેંકના ઉપરી અધિકારીઓને માટે આશ્ચર્યજનક હતા. તેમણે જ આપેલા પૈસાથી ડો.યુનુસ આ કાર્ય કરતા હતા પરંતુ તેઓ હજુ પણ એ માન્યતામાથી બહાર નહોતા આવ્યા કે ગરીબ લોકો લોનના પૈસા પાછા આપી શકે ! આખરે ડો.યુનુસને લાગ્યુ કે બેંકના અધિકારીઓને સમજાવવાથી કઈ નહી થાય. તેઓ પોતે દ્રઢપણે વિશ્વાસ ધરાવતા હતા કે ગરીબો લોનના પૈસા પાછા આપી શકે. તેમને થયુ શા માટે આ કામ માટે એક બેંક ન ખોલવામાં આવે ? તેમણે સરકારને પ્રપોઝલ મોકલી અને ૨ વર્ષની સમજાવટને અંતે સરકારની મંજુરી મળી. આખરે ગાંધીજીના જન્મદીન ૨ ઓક્ટોબર, ૧૯૮૩ ના રોજ ગ્રામીણ બેંકની શરુઆત થઈ. ગ્રામવિકાસના ગાંધીજીના સ્વપ્નને સાકાર કરતી આ બેંકનુ નામ અને તેનો સ્થાપનાદીન બંને આનાથી ઉચીત ન હોઈ શકે !

ગ્રામીણ બેંકનો મંત્ર છે દરેક વ્યક્તિ લોન લેવાનો હક ધરાવે છે. તેમનો ધ્યેય છે ગરીબ કુટૂંબને, ખાસ કરીને ગરીબ મહિલાઓને મદદ કરીને તેમને ગરીબીમાંથી બહાર લાવવા. તેમની વિચારધારા કાર્યરત બેંકીંગ પ્રણાલીથી એકદમ વિરુધ્ધ છે, જે ગરીબોને લોન માટે હકદાર નથી ગણતી. ગ્રામીણ બેંક કોઈ ક્રેડીટ કે કાયદાકીય કાગળ પર નહી, ફક્ત પરસ્પર વિશ્વાસ પર ચાલે છે.

ગ્રામીણ બેંકની લોન પ્રણાલીને માઈક્રોક્રેડીટ કહે છે. માઈક્રોક્રેડીટ એટલે ગરીબ મહેનતકશ લોકોને નાની, ક્યારેક તો ૧૦૦ રુપીયા જેવી લોન આપવી અને એક એવુ માળખુ બનાવવુ કે જે તેમને પ્રગતીના પંથે લઈ જઈ શકે. આ માઈક્રોક્રેડીટના પૈસા લોકો પોતાનો નાનો વ્યવસાય ચલાવવા વાપરે અને જ્યારે તેઓ પોતાની પહેલી લોનના પૈસા ભરે ત્યારે તેમને થોડી મોટી રકમની લોન મળે. આમ વિકાસશીલ બની અંતે તેઓ સ્વાવલંબી બની પોતે જીવનની પ્રાથમીક જરુરીયાતો સંતોષી શકે.

ગ્રામીણ બેંકની પધ્ધતિ મુજબ લોન પ્રણાલી વ્યક્તિના સામાજીક જીવનને અનુલક્ષીને હોવી જોઈએ, નહી કે કોઈ બેંકના અફર નીયમો મુજબ. લોન પ્રણાલી ગરીબોને હિતકારી હોવી જોઈએ. તેઓ ગરીબોને ઘરબેઠા સેવા આપે છે – એટલેકે બેંક ખુદ તેમની પાસે પહોચે છે, લોકો નહી. લોન મેનેજર ગામની મુલાકાત લઈને લોન લેનાર વ્યક્તિ વિશે જાણકારી રાખે છે.  શરુઆતમાં તેઓ લોન કોઈ વ્યવસાય શરુ કરવા આપે છે અને લેણદાર એ રકમ ચુકવી શકે એ માટે શક્ય પ્રયત્નો કરે છે. બાદમાં અભ્યાસ અને બીજી બાબતો માટે પણ લોન મળે છે. દરેક લોન લેનાર વ્યક્તિ પાંચ વ્યક્તિઓનુ એક ગ્રુપ બનાવે છે. આ ગ્રુપ તેમના સદસ્યોની કોઈ ગેરેન્ટી નથી લેતુ પણ તેમનુ કામ એ જોવાનુ છે કે દરેક સદસ્ય જવાબદારીથી વર્તે અને લોનની રકમ ચુકવવામા કોઈને તકલીફ ન પડે. કોઈ સદસ્ય લોન ન ચુકવી શકે તો બાકીના લોકોએ એ રકમ ચુકવવી જરુરી નથી પણ મોટાભાગના કિસ્સાઓમા બાકીના લોકો રકમ ચુકવી દે છે જેથી બીજી વખત તેમના ગ્રુપને લોન મળી શકે.

કેટલા ટકા લોકો બેંકની લોન પરત કરતા હશે ? તેનો જવાબ કોઈપણ સરકારી કે ખાનગી બેંકની સરખામણીમાં આશ્ચર્યજનક છે. ૯૮%!! કોઈને પણ પ્રશ્ન થાય કે બેંક પાસે લોન ને બાદ કરતા આવકના સાધન ક્યાં ? શરુઆતના વર્ષોમાં ઘણી સંસ્થાઓ ઓછા વ્યાજે પૈસા આપતા, બાદમાં બાંગ્લાદેશની સરકાર પણ મદદ કરે છે. જાન્યુઆરી ૨૦૦૯ સુધીમાં ૭૭ લાખ લોકોએ લોનનો લાભ લીધો છે જેમાની ૯૭% મહિલાઓ છે.

ગ્રામીણ બેંકને ભારત સરકારનો પ્રતિષ્ઠિત પુરસ્કાર “ઈન્ટરનેશનલ ગાંધી પીસ પ્રાઈઝ” વર્ષ ૨૦૦૦ માં મળ્યુ છે. ડો.યુનુસને ૨૦૦૬ માં પ્રતિષ્ઠિત નોબેલ પીસ પ્રાઈઝ મળ્યુ છે. આ એવોર્ડ લેવા તેમને બદલે તેમની જ બેંકના એક સમયના લેણદાર અને હાલના બોર્ડ સદસ્ય એવા તસ્લીમા બેગમ ગયા હતા. તસ્લીમા બેગમે ૧૯૯૨ માં લોન લઈ એક બકરી ખરીદી હતી અને બાદમાં વ્યવસાયમાં સફળ થઈ અંતે તેઓ ગ્રામીણ બેંકના જ એક હોદ્દેદાર બન્યા. બેંકના કાર્યથી સમાજ ઉત્થાનનુ આ સચોટ ઉદાહરણ છે.

ગ્રામીણ બેંકની સફળતાથી પ્રેરાઈને ૪૦ થી વધારે દેશોમા આવા પ્રોજેકટ શરુ થયા છે. વર્લ્ડ બેંકે પણ ગ્રામીણ બેંક જેવી યોજનાઓ શરુ કરી છે. ગ્રામીણ બેંકની સૌથી મોટી સફળતા છે માત્ર વિશ્વાસ પર ચાલતી પ્રણાલી. આજના સમયમા જ્યારે સમાજ એકંદરે નિષ્ઠા અને મુલ્યો ગુમાવતુ જાય છે ત્યારે કોઈ નાણાકિય સંસ્થા ફક્ત વિશ્વાસને સહારે લાખો લોકોને પ્રગતીશીલ જીવન જીવવાના મૂળભૂત હકની ભેટ આપે છે એ સાનંદાશ્ચર્યની વાત છે. ગ્રામીણ બેંકે સમગ્ર વિશ્વને બતાવ્યુ છે કે એક વ્યક્તિને બીજી વ્યક્તિની મદદ કરવા માટે ફક્ત વિશ્વાસની જરુર છે, કોઈ જામીનની નહી. “બહુજન હિતાય, બહુજન સુખાય” ના મંત્રમા માનતા આપણા સમાજને આવા જ કોઈ સેતુની જરુર છે એવુ નથી લાગતુ ? વર્ષો પહેલા પોરબંદરનો એક ફકીર આવા જ કોઈ કામની ધુણી ચેતવતો ગયેલો, એ ધુણી ધખાવવા શુ આપણે પણ કોઈ પ્રસંગની રાહ જોઈ બેઠા છીએ ?  જરુર છે બસ એક નાના કામની નિષ્ઠાપૂર્વક શરુઆત કરવાની. આખરે માનવતાના એ સેતુની સામે પાર પણ આપણા જ ભાઈ-બહેનો રહેલા છે.

નોંધઃ આ લેખ અગાઉ રીડગુજરાતી પર પ્રકાશીત થઈ ચુક્યો છે. ડો. યુનુસે તેમની ગ્રામીણ બેંકની સ્મરણયાત્રા તેમના પુસ્તક “Banker to the Poor” માં આલેખી છે. રસ ધરાવનાર સહુને વાંચવા ભલામણ છે.

Advertisements

Read Full Post »