Feeds:
Posts
Comments

થોડા સમય પહેલા મારી વાર્તા જીવન સાધના માટે કેટલીક કોમેન્ટ મળી હતી જેમાં મિત્ર બિહાગે કેટલાક સવાલ કર્યા હતા. મારી ઈચ્છા હતી કે તેના વિષે વિસ્તાર થી લખું અને મારા વિચારો જાણવું.

કોઈ પણ ઘટનાનું વિશ્લેષણ કરતા પહેલા એ જરૂરી છે કે એ ઘટના સમયની પરિસ્થિતિ, ત્યારના સામાજિક નિયમો, વિચારો, ખ્યાલો, પરંપરાને ધ્યાનમાં લેવામાં આવે. દરેક સમયનું એક સાપેક્ષ સત્ય હોય છે  અને એક સાપેક્ષ ધર્મ હોય છે કે જે તે સમય માટે યોગ્ય હોય છે. એ સાપેક્ષ સત્ય અને ધર્મ સમય બદલાતા અસત્ય અને અધર્મ બની શકે. માટે જ ત્રેતા યુગની ઘટનાને સમજવા માટે આપણે એ સમયની જીવનશૈલી વિષે થોડું મનન કરીએ.

રામાયણ માં મુખ્ય ત્રણ પ્રજાતિ વિષે કથા છે. માનવ (રામ, લક્ષ્મણ), વાનર ( હનુમાન, સુગ્રીવ, વાલી) અને રાક્ષસ (રાવણ, વિભીષણ ). આ ત્રણેય પ્રજાતિ અલગ અલગ લક્ષણો દર્શાવે છે. માનવ એ સભ્ય, નગર સંસ્કૃતિ વળી પ્રજા છે.  વા એટલે જંગલ અને નર એટલે માનવ. વાનર (વાંદરા નહિ) એ જંગલો માં રહેલી આદિવાસી પ્રજા છે. રાક્ષસ એ અસંસ્કૃત પ્રજા છે કે જે નગરમાં રહેવા છતાં જંગલ રાજને અનુસરે છે. જંગલ રાજ કે મત્સ્ય ન્યાય એટલે મોટી માછલી નાની માછલીને ખાય તેમ બળીયો નબળા પર રાજ કરે. જેમાં નબળા પાસે વિકાસની કોઈ તક ન રહે. મત્સ્ય ન્યાય એ પ્રાણીઓ માટે ઉચિત છે પરંતુ માનવો માટે નહિ. માનવો પાસે વિવેક બુદ્ધી છે જેનાથી તે ધર્મનું યથાયોગ્ય પાલન કરી શકે. એ ધર્મ દરેક માનવને કેટલીક ફરજો અને જવાબદારીઓ આપે છે. અને સમાજમાં ધર્મ નું આચરણ બની રહે એ માટે એ ફરજો પળાય એ જરૂરી છે.

નગર સંસ્કતિમાં કામવૃત્તિના ધર્મયુક્ત આચરણ માટે લગ્નપ્રથા આવશ્યક છે. રાક્ષસો લગ્ન પ્રથામાં માનતા નહોતા. નગર સંસ્કૃતિમાં હિંસા નબળાનું રક્ષણ કરવા અથવા સ્વબચાવ માટે જ ઉપયુક્ત ગણાતી. રાક્ષસો માટે હિંસા એ વિશ્વ પર રાજ કરવા માટેનું સાધન હતી. વાનર પ્રજાતિ કદાચ માનવ અને રાક્ષસના લક્ષણોની મધ્યે હતી. તેઓ વાનર કહેવાયા કારણકે તેઓ પશુ (વાંદરા) જેવું આચરણ કરતા. તેનો રાજા વાલી ખુબ જ બળવાન હતો અને પોતાનું એકચક્રી સરમુખત્યાર શાસન ચલાવતો હતો. તે તેના મંત્રીઓની સાચી સલાહ પણ સાંભળતો નહિ અને પોતાનું જ ધાર્યું કરતો. સુગ્રીવ સાથે તેણે કરેલા અન્યાયની વાત તેની સાક્ષી છે. ન તો તેણે સુગ્રીવને પોતાના બચાવમાં કશું કહેવાનો મોકો આપ્યો, ન તેણે બાદમાં પોતાના મંત્રીઓ અને હિતેચ્છુની વાત સાંભળી. હકીકતમાં સુગ્રીવ પોતે શોકમગ્ન હોવા છતાં મંત્રીઓ અને લોકોની ઈચ્છાને માન આપીને જ રાજા બન્યો હતો. છતાં પણ વાલી જયારે સુગ્રીવને મારીને કિષ્કિન્ધા માંથી કાઢી મુકે છે ત્યારે કે ત્યારબાદ પણ કોઈ મંત્રી તેને સાચી વાત જણાવતું નથી અથવાતો જણાવવાની હિંમત કરતુ નથી. એ દર્શાવે છે કે ત્યાની પ્રજા પર વાલીનો કેટલો ખોફ હતો ! વાલી સુગ્રીવની પત્નીને બંદી બનાવી તેને ભોગવતો હતો. કોઈ પણ રાજ્ય માટે આ પરિસ્થિતિ યોગ્ય નથી. આમ વાલી કિષ્કિન્ધામાં જંગલ રાજ ચલાવતો હતો.

વાલી વધ એ રામાયણની કેટલીક મહત્વની ઘટનાઓમાંની એક છે. રામ પર વાલીને અધર્મથી મારવાનો આક્ષેપ પણ મુકાય છે. કહેવાય છે કે વાલીને એવું વરદાન હતું કે તેની સામે યુધ્ધમાં જે લડવા આવે તેની અડધી શક્તિ વાલીમાં આવી જાય. કદાચ અહી રૂપકમાં એવું કહેવાયું હશે કે વાલી એટલો શક્તિશાળી હતો કે તેને જોતા જ સામેના યોદ્ધાની અડધી શક્તિ ક્ષીણ થઇ જતી. વાલીને છુપાઈને મારવાનું એક કારણ આ પણ અપાય છે. કહેવાય છે કે રામે બ્રહ્માના આ વરદાનનું માન જળવાઈ રહે તે માટે તેને સામેથી ન માર્યો.

રામને મર્યાદા પુરુષોત્તમ કહેવાયા છે. તેમણે રામાયણમાં અમુક પ્રસંગોને બાદ કરતા હંમેશા ધર્મની મર્યાદામાં રહીને આચરણ કર્યું છે. પરંતુ વાલી વધમાં તેમણે કૃષ્ણને ફાવે તેવું આચરણ કર્યું છે. વાલી જંગલ રાજ ચલાવતો હતો અને રામે તેને મારવા પણ જંગલ રાજનો જ રસ્તો અપનાવ્યો. કૃષ્ણે મહાભારતમાં હંમેશા જેવા સાથે તેવાનો નિયમ અપનાવ્યો છે. તેમના મતે અધર્મીને મારવામાં થયેલો અધર્મ પણ ધર્મ જ છે. પછી એ દ્રોણ વધ હોય, કર્ણ વધ હોય કે પછી દુર્યોધન વધ હોય. ભીમ જયારે દુર્યોધન સાથેના નિર્ણાયક યુધ્ધમાં દીર્યોધન ને જાંઘ પર ગદા પ્રહાર કરીને હરાવે છે ત્યારે બલરામ ક્રોધિત થઈને ભીમને મારવા દોડે છે. પરંતુ કૃષ્ણ તેણે અટકાવે છે અને પૂછે છે કે દુર્યોધન અને તેના ભાઈઓ જયારે અધર્મ આચરતા હતા ત્યારે તમે ક્યાં હતા? ત્યારે તમને ધર્મ નહોતો યાદ આવ્યો ? દુર્યોધનને આ રીતે મારીને ભીમે કોઈ અધર્મ નથી કર્યો. કૃષ્ણના જે કૃત્ય આપણે સહેલાઈથી પચાવી શક્યા તે જ કૃત્ય રામને હાથે થાય તો આપણે કેમ પચાવી નથી શકતા ? યાદ રહે, તેમને મર્યાદા પુરુષોત્તમ આપણે કહ્યા છે. તેમણે ક્યારેય ખુદ એવો દાવો કર્યો નથી. જો આપણે એવું માનીએ કે કૃષ્ણના યુગમાં એ યોગ્ય હતું પરંતુ રામના યુગ માં એ યોગ્ય નહોતું તો તે પણ સાચું નથી.

તાડકા વધ: વિશ્વામિત્ર જયારે રામ અને લક્ષ્મણને પોતાના યજ્ઞના રક્ષણ માટે લઇ જાય છે ત્યારે જંગલમાં તેમને તાડકા નામની રાક્ષસી મળે છે. તાડકા ઋષિઓના યજ્ઞ ભંગ કરીને સમગ્ર વિસ્તારમાં ત્રાસ વર્તાવતી હતી. વિશ્વામિત્ર રામને તેનો વધ કરવાનું કહે છે. પરંતુ રામ અચકાય છે. તાડકા રાક્ષસી હોવા છતાયે એક સ્ત્રી હતી અને વૈદિક સંસ્કાર મુજબ સ્ત્રીઓની હત્યા કરાવી એ ક્ષત્રિયો માટે વર્જ્ય હતું. વિશ્વામિત્ર રામને સમજાવે છે કે આ ધર્મસંકટમાં તેના અધાર્મિક વ્યવહારને જોવો જોઈએ,ના કે તે સ્ત્રી છે તે. અને રામ તેનો વધ કરે છે. આમ જયારે ધર્મના જ બે પહેલુઓ સામે આવે અને તેમાંથી કોઈ એક રસ્તો પસંદ કરવાનો હોય તો હંમેશા સમાજની દ્રષ્ટીએ વધુ ઉચિત રસ્તો જ પસંદ કરવો રહ્યો. બની શકે કે તે વ્યક્તિગત રીતે અયોગ્ય અથવા સમાજમાં નિંદાપાત્ર બને. તાડકા વધમાં રામ સમાજના લાભાર્થે સ્ત્રીને ન મારવાના વૈદિક સંસ્કારને છોડવા અને એ માટે પોતે સમાજની નજરમાં દોષિત ગણાવા માટે તૈયાર બને છે.

વાલી રામને ઘણા સવાલો કરે છે. એ કહે છે કે તમે અધર્મથી મને માર્યો છે. રામ કહે છે નાના ભાઈની પત્ની બહેન સમાન હોય છે. તેના તરફ દ્રષ્ટિ બગાડીને તે મોટો અપરાધ કર્યો છે. એ ઉલ્લેખનીય છે કે એ સમયમાં સુગ્રીવ મોટા ભાઈની પત્નીને પોતાની પત્ની તરીકે અપનાવી શકે છે પરંતુ વાલી નાના ભાઈ ની પત્નીને તેની મરજી વગર અપનાવે એ તે સમયમાં અધર્મ ગણાતો. રામ કહે છે જેણે ખુદ ડગલે ને પગલે અધર્મ આચર્યો છે તેણે અધર્મથી મરવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. એક રીતે આ વિધાન દ્વારા રામ એ સહુ અધર્મી સરમુખત્યાર રાજાઓને ચેતવણી આપે છે કે જો તમે અધર્મથી જીવશો તો અધર્મ કે ધોખાથી મરવા માટે પણ તૈયાર રહેજો. કદાચ રામ તેમના કૃષ્ણજન્મની પૃષ્ઠભુમી આ રીતે તૈયાર કરે છે. વાલી કહે છે કે મેં તમારું કશું બગડ્યું નહોતું, આપણી વચ્ચે કોઈ દુશ્મની નહોતી, છતા તમે મને કેમ માર્યો? આ દલીલ પણ ખોખલી છે. એ સમયના ક્ષત્રીય નો ધર્મ હતો કે અધર્મ અને અધર્મીનો નાશ કરે. આમ જોઈએ તો તાડકાએ પણ રામનું કશું બગડ્યું નહોતું પરંતુ માત્ર એ કારણે જ રામ તેને ન મારે એ કયો ન્યાય ?

એક સવાલ ઉઠે કે રામે વાલીને મળીને વાતની ખાતરી કેમ ન કરી? માત્ર સુગ્રીવને સાંભળીને ન્યાય કેમ કરી દીધો ? સહુ પ્રથમ તેમને સુગ્રીવની વાત યક્ષ કબંધ અને બાદમાં શબરી દ્વારા જાણવા મળી હતી. કબંધે સ્પષ્ટપણે આ ઝગડામાં વાલી દોષિત છે અને રામે સુગ્રીવ સાથે મિત્રતા કરાવી જોઈએ એવો ભાર મુક્યો હતો. એટલે કે વાલી અને સુગ્રીવનો પ્રશ્ન સહુને જ્ઞાત હતો. તેમણે એ પણ કહ્યું હતું કે રામ અગ્નિની સાક્ષીએ સુગ્રીવ સાથે મિત્રતાના શપથ લે જેથી કરીને સુગ્રીવ ફરી પાછો જંગલ રાજમાં જીવવા ન માંડે અને એક સુસંકૃત સમાજની રચના કરે.  રામ તેમના વનવાસ દરમિયાન કોઈ નગરમાં પ્રવેશ કરી શકે તેમ નહોતા. તેઓ કદાચ લક્ષ્મણને મોકલીને બંને વચ્ચે સંધી માટેનો પ્રયત્ન કરી શક્યા હોત. જોકે વાલીએ પહેલેથી જ સમાધાનની કોઈ શક્યતા રહેવા દીધી ન હતી. એ વાત ઉલ્લેખનીય છે કે તેમણે ખુદ રાવણને સંધી માટેના પુરતા મોકાઓ આપેલા છે. ત્યાં સુધી કે લંકા યુદ્ધ દરમિયાન રાવણ શસ્ત્રહીન થઇ જાય છે ત્યારે રામ તેને જીવનદાન આપીને બીજા દિવસે ફરી લડવા આવવાની તક આપે છે. એ બતાવે છે કે આ કિસ્સામાં રામ અધર્મનો નાશ કરવા અધર્મ વાપરીને પણ વાલીનો વધ કરવા કેટલા તત્પર છે અને એ માટે પોતે સમાજની નજરમાં દોષિત ગણાવા માટે પણ પુરતા તૈયાર છે.

અહી એ પણ ઉલ્લેખનીય છે કે વાલી ખુદ મરતા પહેલા તેના પુત્ર અંગદને રામને હવાલે સોપીને જાય છે. કદાચ એ ડરથી કે સુગ્રીવ તેને મારી નાખશે. જોકે રામ એ સુનિશ્ચિત કરે છે કે વાલી ની પત્ની સતી તારા અને અંગદને પુરા માન સન્માન થી એ જ સ્થાન આપવામાં આવે જે પહેલા હતું. અંગદને યુવરાજ બનાવવામાં આવે છે. આમ રામ કીશ્કીન્ધામાં સભ્ય નગર સંસ્કૃતિ વિકસાવે છે. અંગદ જે રામે વાલીનો વધ કર્યો છે એ જ રામનો દૂત બનીને રાવણની સભામાં અપ્રતિમ સાહસ દેખાડે છે. એ સમયમાં કે જયારે આદિવાસી કે જંગલી પ્રજાતિઓમાં પોતાના પિતાની હત્યાનો બદલો લેવો એ દરેક પુત્રની મુખ્ય ફરજ ગણાતી. રામ પોતાના વ્યક્તિત્વ અને પ્રેમના બળ પર અંગદ ને પોતાનો વિશ્વાસુ બનાવી લે છે.

દરેક કર્મ તેનું સારું કે ખરાબ કર્મફળ છોડીને જ જાય છે. કહેવાય છે કે વાલીને આ રીતે છુપાઇને મારવાના કર્મફળને લીધે આવતા કૃષ્ણજન્મમાં વાલી પારધી બનીને કૃષ્ણને (અજાણતા) બાણ મારે છે. આપણા શાસ્ત્રોમાં આ જ તો ખાસિયત છે.  તેઓ દર્શાવે છે કે જ્યાં સુધી કર્તાભાવ રહે છે ત્યાં સુધી સહુ કોઈ કર્મફળ થી બંધાયેલા છે. પછી ભલે તે અયોધ્યાના રાજા રામ પણ કેમ ન હોય !

Advertisements

આપણે સહુએ આપણી આજુબાજુમાં દારુણ ગરીબીમાં સબડતા ઘણા લોકોને જોયા હશે. આપણામાંથી ઘણાં એ દ્રશ્ય જોઈને અંદરથી હચમચી પણ ગયા હશે. એમાથી થોડા લોકોએ તેમને યથાયોગ્ય મદદ પણ કરી હશે. પણ આવી ક્યારેકની મદદ તેમની પરિસ્થિતીને બદલી નથી શકતી. એવો કોઇ ઉપાય ખરો કે જેનાથી તેમને પગભર બનાવી શકાય કે જેથી તેઓ ખુદ પોતાનુ ભવિષ્ય સુધારી શકે ?

એક ઉપાય છે તેમને થોડા પૈસા આપીને નાના કામધંધા માટે પ્રોત્સાહીત કરવાનો. એ માટે બેંકની મદદ લઈ શકાય. પણ દરેક બેંકના લોન આપવાના પોતાના નિયમો હોય છે અને જેમને બે ટંક રોટલાના ફાંફાં પડતા હોય તેમને બેંક કઈ ગેરેન્ટી પર લોન આપે ? જે લોકો શાહુકાર કે નાણા ધીરનાર પાસેથી ઉંચા વ્યાજે પૈસા લાવે છે તેમનુ તો આખુ જીવન એ વ્યાજ ચુકવવામાં જ ચાલ્યુ જાય છે. શું આ સમસ્યાનો સમાજ કોઈ ઉકેલ ન લાવી શકે ? શું સમાજના પગભર લોકો નાની નાની મદદ વડે એક મોટી ક્રાંતિ ન લાવી શકે ? મધર ટેરેસાએ કહ્યુ છે, “બહુ ઓછા લોકો મહાન કાર્યો કરી શકે છે, પણ દરેક વ્યક્તિ નાનુ કાર્ય પ્રેમ અને નિષ્ઠાપૂર્વક કરીને તેને મોટુ બનાવી શકે છે.” આવુ એક નાનુ પણ પ્રેરણાદાયી કાર્ય આજે વિકસીને લાખો લોકોના જીવનને ઉજાળે છે. ઍ પ્રેરણાદાયી કાર્ય છે બાંગ્લાદેશની ગ્રામીણ બેંક અને તેના સ્થાપક છે ડો. મોહમ્મદ યુનુસ.

આ સમય છે ૧૯૭૪ નો. ત્યારે બાંગ્લાદેશ એક રાષ્ટ્ર તરીકે હજુ નવુસવુ હતુ. એ દરમિયાન વાવઝોડા, પુર, દુકાળ અને થોડા રાજનિતિક કારણોને લીધે બાંગ્લાદેશના લાખો લોકો માર્યા ગયા હતા. ડો.યુનુસ અમેરીકાથી અર્થશાસ્ત્રમા ડોક્ટરેટની ડીગ્રી લઈને તાજેતરમાં જ પાછા આવ્યા હતા. બાંગ્લાદેશની પરિસ્થિતિ જોઈને તેમને ખુબ આઘાત લાગ્યો.  જ્યારે દેશમાં લોકો મરવાને વાંકે જીવતા હાડપિંજર જેવા હોય ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને ફક્ત અર્થશાસ્ત્રના પાઠો ભણાવવા એ તેમને દંભ લાગ્યો. તેમને થયુ કે તેઓ જે કંઈ પણ ભણ્યા છે તે બધુ પુસ્તકીયુ જ્ઞાન છે જે જીવનના પ્રશ્નોને ઉકેલી નથી શકતુ. અને તેઓ લોકોના પ્રશ્નોને સમજવા યુનિવર્સીટી નજીકના ગામડાઓમા જવા લાગ્યા. તેઓ ગ્રામલોકોના જીવનને ઉપર-ઉપરથી,તર્કબુધ્ધીથી નહી પરંતુ એક ધરતીના જીવની જેમ અનુભવવા, સમજવા અને ઉકેલવા માંગતા હતા. તેમાનો એક અનુભવ તેમને એક નવી જ દીશામા લઈ ગયો.  

તેઓ એક અતિ ગરીબ મહીલાને મળ્યા જે વાંસની ચીજવસ્તુઓ બનાવતી હતી. લાંબી વાતચીતને અંતે તેમણે જાણ્યુ કે તે મહીલાને એક દીવસના ફ્ક્ત ૨૦ પૈસા મળતા હતા. તેઓ એ માની ન શક્યા કે આટલી મહેનતથી આટલા સુદર વાંસની ચીજો બનાવનાર વ્યક્તિ આટલુ ઓછુ કમાતી હતી ! મહીલાએ જણાવ્યુ કે તેની પાસે વાંસ ખરીદવાના પૈસા નહોતા એટલે એ વાંસ તે કોઈની પાસેથી ખરીદતી હતી. એ વ્યક્તિએ એવી શરત મુકી હતી કે મહીલા પોતાની ચીજો ફક્ત તેને જ,તે કહે એ ભાવે વેંચી શકે. એ વ્યક્તિ આ ચીજોને ૧૦ ગણી કિંમતે બજારમા વેચતો હતો.

ડો.યુનુસે વિચાર્યુ : લોકો ૨૦ પૈસા માટે આટલી તકલીફમાં મુકાઈને જીવે છે અને કોઈ કાંઈ ન કરી શકે?  તેમના મનમાં તુમુલયુધ્ધ ચાલ્યુ. શુ આ મહીલાને પૈસા આપી એક સમયનો પ્રશ્ન હલ કરવો? પરંતુ તેઓ કામચલાઉ ઉપાય નહોતા કરવા માંગતા. અંતે તેમણે નક્કી કર્યુ કે સહુ પ્રથમ આ વિસ્તારમાં જરુરતમંદ લોકોની યાદી બનાવવી. ઘણા દિવસોની મહેનતને અંતે તેમણે ૪૨ લોકોની યાદી તૈયાર કરી. જ્યારે તેમણે જરુરી પૈસાની ગણતરી કરી તો સરવાળો થયો ફક્ત ૧૦૦૦ રુપીયા !! જે સમાજ ૪૨ મહેનતકશ લોકોને ૧૦૦૦ રુપીયા ન આપી શકે  એ સમાજના નાગરીક તરીકે જીવવામાં તેમને શરમ આવી !!

તેમણે એ દરેકને જોઈતા પૈસા આપ્યા – લોન તરીકે. દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતાએ તેને ચુકવી શકે. અને હા, દરેક વ્યક્તિ પોતાની ચીજો જ્યાં પણ સારો ભાવ મળે ત્યાં વેચવા સ્વતંત્ર હતી. એ મહીલાની આંખમા આંસુની ચમકમાં ડો.યુનુસને નવો વિચાર સ્ફુર્યો. જો આ કામ માટે બેંકની મદદ લેવામા આવે તો કેટલાયે લોકોને તેનો લાભ મળી શકે ! તેઓ યુનિવર્સીટીની બેંકના મેનેજરને મળ્યા અને ગરીબોને લોન આપવાની વાત કરી. તેમને તો જાણે ધરતીકંપનો આંચકો લાગ્યો ! તેમણે ડો.યુનુસને કહ્યુ કે આવુ તો કોઈ પાગલ જ વિચારી શકે. આ શક્ય જ નથી. ગરીબોને લોન કઈ રીતે મળે ? તેમની પાસે જામીનમા મુકવા માટે કશુ જ નથી. તેઓ પૈસા પાછા કંઈ રીતે આપશે ? ડો.યુનુસે તેમને એક તક  આપવાની વિનંતી કરી. આમ પણ લોનની રકમ ખુબ જ નાની હતી. પરંતુ મેનેજરે બેંકના નિયમોને આગળ કરી તેમને ના પાડી દીધી.

ડો.યુનુસ હવે બેંકના ઉપરી અધિકારીઓને મળ્યા. પણ બધાનો જવાબ એક જ હતો. કોઈ વિનંતીની તેમના પર અસર ન થઈ. આખરે ડો. યુસુફ લોન બાબતે મધ્યસ્થ બનવા તૈયાર થયા. તેઓ કાયદેસર રીતે લોનના પૈસાની ગેરેન્ટી આપવા અને જો લોન લેનાર પૈસા પરત ન કરે તો ખુદ ચુકવવા તૈયાર થયા.  આટલી બાંહેધરી મળ્યા બાદ બેંક ડો.યુનુસને લોનના પૈસા આપવા તૈયાર થઈ. સામે ડો.યુનુસ લોનના પૈસા તેમની ઈચ્છા મુજબના વ્યક્તિને આપવા સ્વતંત્ર હશે તેમ બેંકે કબુલ્યુ. આમ તેઓ બેંક પાસેથી પૈસા લઈ ગરીબોને વહેચી દેતા.

આ હતી તેમના નાના કામની શરુઆત. બેંકના અધિકારીઓ તેમને હંમેશા કહેતા કે એ ગરીબ લોકો તેમને પૈસા પાછા નહી આપે. પણ ડો.યુનુસ કહેતા કે હુ એક પ્રયત્ન જરુર કરીશ. અને નવાઈની વાત એ બની કે બધા જ લોકોએ લોનના પૈસા ચુકવી દીધા ! ડો.યુનુસે અત્યંત ઉત્સાહથી આ વાત મેનેજર ને કરી. પણ મેનેજરે કહ્યુઃ “એ લોકો તમને બનાવી રહ્યા છે. થોડા સમયમાં જ તેઓ મોટી રકમની લોન લઈ જશે અને પછી કદી પરત નહી કરે !” અને ડો.યુનુસે તેમને થોડી મોટી રકમની લોન આપી. અને બધા જ પૈસા પાછા આવી ગયા. પરંતુ મેનેજર મક્કમ હતા. “કદાચ એકાદ ગામમાં આવુ ચાલે, પણ બીજા ગામમાં આવુ કરશો તો બિલકુલ નહી ચાલે !” અને ડો.યુનુસે બીજા ગામમા લોન આપવાનુ શરુ કર્યુ અને તે પણ સફળ થયુ.

હવે આ વાત ડો.યુનુસ અને બેંકના ઉપરી અધિકારીઓને માટે એક યુધ્ધ જેવી બની ગઈ. તેઓ હંમેશા કહેતા રહ્યા કે પાંચ-પચાસ-સો ગામડામા આવુ ન ચાલી શકે. અને ડો.યુનુસે એ બધુ કરી દેખાડ્યુ. આ પરીણામો બેંકના ઉપરી અધિકારીઓને માટે આશ્ચર્યજનક હતા. તેમણે જ આપેલા પૈસાથી ડો.યુનુસ આ કાર્ય કરતા હતા પરંતુ તેઓ હજુ પણ એ માન્યતામાથી બહાર નહોતા આવ્યા કે ગરીબ લોકો લોનના પૈસા પાછા આપી શકે ! આખરે ડો.યુનુસને લાગ્યુ કે બેંકના અધિકારીઓને સમજાવવાથી કઈ નહી થાય. તેઓ પોતે દ્રઢપણે વિશ્વાસ ધરાવતા હતા કે ગરીબો લોનના પૈસા પાછા આપી શકે. તેમને થયુ શા માટે આ કામ માટે એક બેંક ન ખોલવામાં આવે ? તેમણે સરકારને પ્રપોઝલ મોકલી અને ૨ વર્ષની સમજાવટને અંતે સરકારની મંજુરી મળી. આખરે ગાંધીજીના જન્મદીન ૨ ઓક્ટોબર, ૧૯૮૩ ના રોજ ગ્રામીણ બેંકની શરુઆત થઈ. ગ્રામવિકાસના ગાંધીજીના સ્વપ્નને સાકાર કરતી આ બેંકનુ નામ અને તેનો સ્થાપનાદીન બંને આનાથી ઉચીત ન હોઈ શકે !

ગ્રામીણ બેંકનો મંત્ર છે દરેક વ્યક્તિ લોન લેવાનો હક ધરાવે છે. તેમનો ધ્યેય છે ગરીબ કુટૂંબને, ખાસ કરીને ગરીબ મહિલાઓને મદદ કરીને તેમને ગરીબીમાંથી બહાર લાવવા. તેમની વિચારધારા કાર્યરત બેંકીંગ પ્રણાલીથી એકદમ વિરુધ્ધ છે, જે ગરીબોને લોન માટે હકદાર નથી ગણતી. ગ્રામીણ બેંક કોઈ ક્રેડીટ કે કાયદાકીય કાગળ પર નહી, ફક્ત પરસ્પર વિશ્વાસ પર ચાલે છે.

ગ્રામીણ બેંકની લોન પ્રણાલીને માઈક્રોક્રેડીટ કહે છે. માઈક્રોક્રેડીટ એટલે ગરીબ મહેનતકશ લોકોને નાની, ક્યારેક તો ૧૦૦ રુપીયા જેવી લોન આપવી અને એક એવુ માળખુ બનાવવુ કે જે તેમને પ્રગતીના પંથે લઈ જઈ શકે. આ માઈક્રોક્રેડીટના પૈસા લોકો પોતાનો નાનો વ્યવસાય ચલાવવા વાપરે અને જ્યારે તેઓ પોતાની પહેલી લોનના પૈસા ભરે ત્યારે તેમને થોડી મોટી રકમની લોન મળે. આમ વિકાસશીલ બની અંતે તેઓ સ્વાવલંબી બની પોતે જીવનની પ્રાથમીક જરુરીયાતો સંતોષી શકે.

ગ્રામીણ બેંકની પધ્ધતિ મુજબ લોન પ્રણાલી વ્યક્તિના સામાજીક જીવનને અનુલક્ષીને હોવી જોઈએ, નહી કે કોઈ બેંકના અફર નીયમો મુજબ. લોન પ્રણાલી ગરીબોને હિતકારી હોવી જોઈએ. તેઓ ગરીબોને ઘરબેઠા સેવા આપે છે – એટલેકે બેંક ખુદ તેમની પાસે પહોચે છે, લોકો નહી. લોન મેનેજર ગામની મુલાકાત લઈને લોન લેનાર વ્યક્તિ વિશે જાણકારી રાખે છે.  શરુઆતમાં તેઓ લોન કોઈ વ્યવસાય શરુ કરવા આપે છે અને લેણદાર એ રકમ ચુકવી શકે એ માટે શક્ય પ્રયત્નો કરે છે. બાદમાં અભ્યાસ અને બીજી બાબતો માટે પણ લોન મળે છે. દરેક લોન લેનાર વ્યક્તિ પાંચ વ્યક્તિઓનુ એક ગ્રુપ બનાવે છે. આ ગ્રુપ તેમના સદસ્યોની કોઈ ગેરેન્ટી નથી લેતુ પણ તેમનુ કામ એ જોવાનુ છે કે દરેક સદસ્ય જવાબદારીથી વર્તે અને લોનની રકમ ચુકવવામા કોઈને તકલીફ ન પડે. કોઈ સદસ્ય લોન ન ચુકવી શકે તો બાકીના લોકોએ એ રકમ ચુકવવી જરુરી નથી પણ મોટાભાગના કિસ્સાઓમા બાકીના લોકો રકમ ચુકવી દે છે જેથી બીજી વખત તેમના ગ્રુપને લોન મળી શકે.

કેટલા ટકા લોકો બેંકની લોન પરત કરતા હશે ? તેનો જવાબ કોઈપણ સરકારી કે ખાનગી બેંકની સરખામણીમાં આશ્ચર્યજનક છે. ૯૮%!! કોઈને પણ પ્રશ્ન થાય કે બેંક પાસે લોન ને બાદ કરતા આવકના સાધન ક્યાં ? શરુઆતના વર્ષોમાં ઘણી સંસ્થાઓ ઓછા વ્યાજે પૈસા આપતા, બાદમાં બાંગ્લાદેશની સરકાર પણ મદદ કરે છે. જાન્યુઆરી ૨૦૦૯ સુધીમાં ૭૭ લાખ લોકોએ લોનનો લાભ લીધો છે જેમાની ૯૭% મહિલાઓ છે.

ગ્રામીણ બેંકને ભારત સરકારનો પ્રતિષ્ઠિત પુરસ્કાર “ઈન્ટરનેશનલ ગાંધી પીસ પ્રાઈઝ” વર્ષ ૨૦૦૦ માં મળ્યુ છે. ડો.યુનુસને ૨૦૦૬ માં પ્રતિષ્ઠિત નોબેલ પીસ પ્રાઈઝ મળ્યુ છે. આ એવોર્ડ લેવા તેમને બદલે તેમની જ બેંકના એક સમયના લેણદાર અને હાલના બોર્ડ સદસ્ય એવા તસ્લીમા બેગમ ગયા હતા. તસ્લીમા બેગમે ૧૯૯૨ માં લોન લઈ એક બકરી ખરીદી હતી અને બાદમાં વ્યવસાયમાં સફળ થઈ અંતે તેઓ ગ્રામીણ બેંકના જ એક હોદ્દેદાર બન્યા. બેંકના કાર્યથી સમાજ ઉત્થાનનુ આ સચોટ ઉદાહરણ છે.

ગ્રામીણ બેંકની સફળતાથી પ્રેરાઈને ૪૦ થી વધારે દેશોમા આવા પ્રોજેકટ શરુ થયા છે. વર્લ્ડ બેંકે પણ ગ્રામીણ બેંક જેવી યોજનાઓ શરુ કરી છે. ગ્રામીણ બેંકની સૌથી મોટી સફળતા છે માત્ર વિશ્વાસ પર ચાલતી પ્રણાલી. આજના સમયમા જ્યારે સમાજ એકંદરે નિષ્ઠા અને મુલ્યો ગુમાવતુ જાય છે ત્યારે કોઈ નાણાકિય સંસ્થા ફક્ત વિશ્વાસને સહારે લાખો લોકોને પ્રગતીશીલ જીવન જીવવાના મૂળભૂત હકની ભેટ આપે છે એ સાનંદાશ્ચર્યની વાત છે. ગ્રામીણ બેંકે સમગ્ર વિશ્વને બતાવ્યુ છે કે એક વ્યક્તિને બીજી વ્યક્તિની મદદ કરવા માટે ફક્ત વિશ્વાસની જરુર છે, કોઈ જામીનની નહી. “બહુજન હિતાય, બહુજન સુખાય” ના મંત્રમા માનતા આપણા સમાજને આવા જ કોઈ સેતુની જરુર છે એવુ નથી લાગતુ ? વર્ષો પહેલા પોરબંદરનો એક ફકીર આવા જ કોઈ કામની ધુણી ચેતવતો ગયેલો, એ ધુણી ધખાવવા શુ આપણે પણ કોઈ પ્રસંગની રાહ જોઈ બેઠા છીએ ?  જરુર છે બસ એક નાના કામની નિષ્ઠાપૂર્વક શરુઆત કરવાની. આખરે માનવતાના એ સેતુની સામે પાર પણ આપણા જ ભાઈ-બહેનો રહેલા છે.

નોંધઃ આ લેખ અગાઉ રીડગુજરાતી પર પ્રકાશીત થઈ ચુક્યો છે. ડો. યુનુસે તેમની ગ્રામીણ બેંકની સ્મરણયાત્રા તેમના પુસ્તક “Banker to the Poor” માં આલેખી છે. રસ ધરાવનાર સહુને વાંચવા ભલામણ છે.

થોડા સમય પહેલા જ મારુ મૃત્યુ થયુ હતુ. અત્યારે હુ કોઈ અલગ સ્તર પર હતો જ્યાં થોડા સમય રહ્યા બાદ હુ નવો જન્મ લેવાનો હતો. જે પુસ્તક હું વાંચી રહ્યો હતો એ બીજુ કાંઈ નહી પરંતુ મારા જ જુના જન્મોની જીવનકથા હતી. એમાની દરેક કથા મેં એક એક જન્મ જીવીને મૃત્યુ બાદ લખી હતી. એ કથાના બધા જ પાત્રો બીજુ કોઈ નહી પણ હું જ હતો. એ પુસ્તકના છેલ્લા પાનામાં મારી છેલ્લી જીવનકથા લખાયેલી હતી.

આ બધુ એટલુ ત્વરીત અને આઘાતજનક હતુ કે થોડી ક્ષણો તો હુ મુઢ બની ગયો. એ કેવી રીતે બને કે થોડા સમય પહેલા જ મારુ મૃત્યુ થયુ હોય અને મને યાદ ન હોય ? અને મૃત્યુ પછી તરત  હુ આ પુસ્તક વાંચુ ? અને આ જુના જન્મો, પુનર્જન્મ અને મારી ખુદની જીવનકથા ?  હું ગાંડો થઈ ગયો છુ કે શું ? મે મારી આંખો ખોલી. પ્રકાશ હવે પૂર્વવત હતો.

મે જલ્દીથી એ પુસ્તકનુ છેલ્લુ પાનુ ખોલ્યુ. હા મને યાદ આવી ગયુ. મારી જ વાત.. એટલે કે મારા છેલ્લા જન્મનાં જીવનની જ વાત. પરંતુ તો શું ? હું એ કઈ રીતે માનુ કે મારા પહેલાના જન્મો હતા અને તેની વાતો આ પુસ્તકમાં સાચોસાચ લખાઈ છે ?

“હે ઈશ્વર, મને મદદ કરો. તમારી માયાને દુર કરી મને સત્યના દર્શન કરાવો” મે પ્રાર્થના કરી.

મે મારી આંખો બંધ કરી અને જ્ઞાનનો એક પ્રવાહ મારામાંથી સ્ફુર્યો.

“મારે શા માટે આ પુસ્તક – જીવન સાધના વાંચવુ પડ્યુ ?” મેં પુછ્યુ.

“એટલા માટે કે તુ એ વાંચીને જીવનના તારે શીખવા યોગ્ય પાઠો શીખી શકે. જીવન એ અનુભવોની પાઠશાળા છે. દરેક ક્ષણ તમને કશીક શીખ આપે છે.” – જવાબ.

“પરંતુ હુ એમાથી કશુયે શિખ્યો નથી. હું તો ફક્ત તેને વાંચી ગયો. બસ એટલુ જ.”

“એ જ તો ભુલ તુ વારંવાર કરે છે જ્યારે જ્યારે તુ આ પુસ્તક વાંચે છે. દરેક જીવનકથામાં એક ગર્ભીત અર્થ છુપાયેલો છે.

પ્રથમ કથા – બ્રહ્મવેતસની કથા એ તારા દિવ્ય આત્માના વિસ્તારની કથા છે. તુ પરમ દિવ્ય પરમાત્માના અંશરુપ અવતર્યો હતો. તારા સંત માતાપિતાએ તને આધ્યાત્મિક જીવનના સંસ્કાર આપ્યા અને તુ ધીરે ધીરે કર્મના બંધનમાંથી મુક્ત થઈ રહ્યો હતો. તને દરેક જીવ પ્રત્ય ઉંડી અનુકંપા હતી. એટલે જ તે એ સિંહણ અને તેના બચ્ચાઓને મદદ કરી. પરંતુ અજાગ્રુતભાવે કરાયેલુ દરેક કર્મ બંધનકર્તા હોય છે. જ્યારે તે વિચાર્યુ કે મે આમને બચાવ્યા ત્યારે તારામા કર્તાભાવનુ અભિમાન જાગ્યુ અને તુ કર્મના બંધનથી બંધાયો. તુ એ સિંહણ અને તેના બચ્ચાઓની સાથે ઋણાનુબંધના અદ્રશ્ય દોરાથી બંધાયો અને એ ઋણાનુબંધ ચુકવતા તમને સહુને કેટલાયે જન્મો થયા. તે તારા એ જન્મના માતાપિતા જ તારા આગલા જન્મોમા પણ માતાપિતા રહે એવી પ્રાર્થના કરી. એનાથી તમે ત્રણ પણ કેટલાય જન્મ સુધી એ ઋણાનુબંધમાં રહ્યા.

તારા નામ પણ આધ્યાત્મિક અર્થ ધરાવે છે. બ્રહ્મવેતસ એટલે જે બ્રહ્મને જાણવાના માર્ગે ચાલે છે તે. તારા પછીના જન્મમાં તું ઉત્તમાનસ બન્યો. જેનુ મન ઉત્તમ છે તે. આમ તારુ આત્માના પદથી મનની અવસ્થામાં પતન થયુ.

ઉત્તમાનસના જન્મમાં તને સત્ય પ્રત્યે અપાર પ્રેમ હતો. પરંતુ તુ ફક્ત સાપેક્ષ સત્યને જાણતો હતો નિરપેક્ષ સત્યને નહી. જે સત્ય મનના સાચા-ખોટાના ખ્યાલોથી બંધાય છે એ કદી અંતિમ સત્ય નથી હોતુ. સત્ય મનની અવસ્થાઓથી પરે છે. પરિસ્થિતિઓ અનુકૂળ-પ્રતિકૂળ થતી રહે એ સંસારનો નિયમ છે. જે આ બધી અવસ્થાઓ માંથી પસાર થવા છતા લેશમાત્ર બદલાતુ નથી એ આપણૂ મુળ સ્વરુપ. અને એ જ અંતિમ સત્ય છે.

કહેવાની જરુર ખરી કે તારા ત્રણ મિત્રો એ પાછલા જન્મના સિંહણ અને તેના બચ્ચા હતા. શશિવ્રતને એટલે જ સિંહ-વાધ ખુબ પસંદ હતા. એ દિવસે પેલા સિંહ પણ અજાણતા જ શશિવ્રત સાથેની એ કડીને ઓળખીને તમારી પાછળ આવ્યો હતો. જોકે પછી તેને બાળકના રુપમાં શિકાર મળી જતા તે જતો રહ્યો હતો.

આદિવાસીના સરદારે ધર્મ વિરુધ્ધ આચરણ કર્યુ. પરંતુ તે પણ એમનુ અનુકરણ કર્યુ. એ નિયત હતુ કે સરદાર તમને સજા કરે એ પહેલા બાળકની માતા તમને માફ કરવાની અરજ કરી તમને બચાવી લેશે. પરંતુ ક્રોધ અને બદલાની આગમાં તે અંધ બનીને હુમલો કર્યો અને તુ માર્યો ગયો. આમ, તે ઈશ્વરની યોજનામા ખલેલ પાડી અને તેને ઠીક કરતા બીજા કેટલાયે જન્મો નિકળી ગયા. નિયતી એ એક એવી શક્તિ છે જે મનુષ્યને કોઈ ચોક્કસ દિશામા લઈ જાય છે. પરંતુ એ દિશામા દરેક પગલા કેમ ભરવા અને પરિસ્થિતિઓનો પ્રતિભાવ શું આપવો એ આપણા હાથમાં છે.

દિવાકરના જન્મકાળમાં તારુ અધઃપતન થતુ અટક્યુ. તે એ સમય હતો જ્યારે તારો આધ્યાત્મિક વિકાસ ધીરેધીરે યોગ્ય દિશામાં શરુ થયો હતો. દિવાકર એ તારુ અતિ ગહન સ્વરુપ હતુ. તું ખરે જ જ્ઞાન-પિપાસુ હતો. પરંતુ તે પાછલા જન્મોમાં કેટલાયે સંસ્કાર અને વૃત્તિઓ એકઠી કરી હતી. આથી જ, તે આધ્યાત્મનુ ઉચ્ચ શિક્ષણ લીધુ હોવા છતા એ સંસ્કારો અને વૃત્તિઓ તારા પર હાવી થઈ ગઈ. આવી જ એક ન સંતોષાયેલી વૃત્તિ હતી જ્ઞાન અને કીર્તિ માટેનો મોહ.

તારા જાતી વિશેના વિચારો યોગ્ય હતા પરંતુ તારા જીવનએ એ બતાવી આપ્યુ કે આ પધ્ધતિ યોગ્ય હતી. જેઓ આ જ્ઞાન પચાવી ન શકે તેઓ તેને પોતાના અને બીજા માટે હાનિકારક બનાવી દે છે.

જે રાજાના પુત્રે તને મદદ કરી હતી એ બીજા કોઈ નહી પણ પ્રભુ શ્રી રામ હતા. તને થશે કે જો તેઓ ઈશ્વર હતા અને જાણતા હતા કે તારી કીર્તિ ચાહના અયોધ્યા માટે શાપ સમાન પુરવાર થશે તો એમણે તને શા માટે મદદ કરી ? કારણકે એ જ નિયતિમાં હતુ. એ પ્રભુની યોજના હતી અને તમે બંને એમા તમારો ભાગ ભજવતા હતા. તારા માન અને કીર્તિ માટેનો મોહે તને એ નનામો પત્ર લખાવ્યો. જો કે એ પત્ર તેની રીતે બીલકુલ યોગ્ય હતો પરંતુ જે આશયથી તે તેને લખ્યો, તેને કારણે તુ તેના કર્મફળમાં બંધાયો. તુ તારી જાતને અંત સુધી ધિક્કારતો રહ્યો. વારંવાર એ યાદ કરીને તુ જાણે એ ભુલ ફરી ફરીને જીવવા લાગ્યો.  અને તારા એ પત્ર લખવાનુ ફળ તને મળ્યુ જીવનભર ધિક્કાર અને નિરાશારુપે !

તને એ ખ્યાલ ન આવ્યો કે તુ નિયતિના યોજનાના એક ભાગરુપે જ કામ કરી રહ્યો છે. આ ઘટનાને સાંકેતીક રીતે જોઈએ તો સિતાજી ભક્તિ, રામ બ્રહ્મ અને રાવણ  જીવનો અહં દર્શાવે છે. ભક્તિને અહંનો થોડો પણ સ્પર્શ થાય તો એ ભક્તિના મુળ સ્વરુપ તથા ભક્ત અને ભગવાન વચ્ચેના એ પવિત્ર સેતુને તોડી નાખે છે. પરંતુ માયા અને ભક્તિ બંને સ્ત્રીરુપા છે. અને ખરા ભક્તની ભક્તિ માયાના સકંજામાં કદી ન આવે. સિતાજી પણ પરમ પવિત્ર હતા , અહંકારના લેશમાત્ર સ્પર્શ વિના.

વજ્રચિત્રના જીવનનો પણ ખુબ મહત્વનો ઉદ્દેશ હતો. તે એ સમય હતો જ્યારે તારામાં કામના અને ઈર્ષા એ બે વૃત્તિઓ વધારે હતી. સત્કર્મો કરવા માટે સત્તાની કામના અને જે લોકો સત્તાનો દુરઉપયોગ કરતા હોય તેમના પ્રતિ ઈર્ષા અને ધૃણા. આ રાજસીક વૃત્તિઓ તારા આધ્યાત્મિક વિકાસને માટે અવરોધરુપ બની. વિકાસની એ ઉચ્ચ અવસ્થાએ સાત્વિક,રાજસિક અને તામસિક એ ત્રણેય વૃત્તિઓ નડતરરુપ બની શકે જો સાધક પુરતો જાગ્રુત ન રહે તો.

વજ્રચિત્ર નામ વજ્ર અને ચિત્ર નામની સુશુમ્ણા નાડીના બે ભાગ પરથી પડ્યુ છે. સુશુમ્ણા નાડીનુ એક મુખ કુંડલીનીમાં ખુલે છે અને તે શરીરના છ મુખ્ય ચક્રોને ભેદીને સાતમા ચક્ર સહસ્ત્રારમા મળે છે. સાંકેતિક રીતે જો દ્રૌપદીને કુંડલીની શક્તિ અને પાચ પાંડવોને પહેલા પાંચ ચક્રો તરીકે લઈએ તો દ્રૌપદીને આદર આપીને તુ તારા એ મૂળભૂત આત્મ સ્વરુપને ભજતો હતો. અહંકાર ન હોવાથી પરમ સત્ય તરફનો વિકાસ પણ ખુબ જડપી હતો. પરંતુ કોઈ એક સમયે તારા પાચ ચક્રોનુ સંતુલન ખોરવાયુ. આને કારણે પ્રાણ શક્તિ સહસ્ત્રાર સુધી ન પહોચી શકી અને તુ વિવિધ વૃત્તિઓના હુમલા સામે નિરાધાર બન્યો. આમ,તારામા ઈછ્છા અને ઈર્ષા એવી વૃત્તિ બળવત્તર બની. જો પ્રાણ શક્તિ કામના અને અહંકારને તાબે રહે તો એ વ્યક્તિને બાહ્ય ઈદ્દ્રિય અને વિષયોમાં પ્રવૃત્ત કરે છે.

તુ કદાચ તોયે એ વૃત્તિને જીતી શક્યો હોત જો તુ તારી આસક્તિ માટે લડ્યો ન હોત. એ આસક્તિએ તારામાં કામના જગાડી. અને જ્યારે એ કામના પુરી ન થઈ શકી ત્યારે તુ ક્રોધીત થયો. અને એ ક્રોધ સાથે જ તુ તારી સમતા ખોઈ બેઠો અને તારા ધર્મને ભુલ્યો. તને તારા કર્મના આધ્યાત્મિક ફળ જોઈતા હતા. પરંતુ તારે તેની કિંમત ચુકવવી પડી. હરીના માર્ગમાં પ્રભુપ્રાપ્તિ સિવાયનો કોઈ હેતુ પવિત્ર નથી. તારે હજુ વધુ પવિત્ર થવાની જરુર હતી.

આમ તારા દરેક જન્મમાં કોઈ મુળ દોષ પ્રમુખ રહ્યા. બ્રહ્મવેતસને કર્તાભાવનુ અભિમાન થતા તે કર્મફળમાં બંધાયો. ઉત્તમાનસને આધ્યાત્મિક સાધનાનો મોહ અને આદિવાસીઓ પ્રત્યેનો ક્રોધ અને દ્વેશભાવ બંધનકર્તા બન્યો. દિવાકરને માટે કીર્તિનો લોભ અને સ્વનો ધિક્કાર પતનના કારણ બન્યા. અને આમ તે તારા છેલ્લા જન્મ સુધી કેટલાયે જન્મ લીધા અને કેટલાયે પાત્રો ભજવ્યા. તુ કેટલાયે નવા પાઠો શિખ્યો, કેટલાયે જુના પાઠો ભુલી ગયો , કેટલાયે કર્મના ફળ ભોગવી તેમાથી મુક્ત થયો, કેટલાયે નવા કર્મફળ બાંધ્યા અને આ જ ચક્રમાં તુ દોરવાતો રહ્યો.

“હે ઈશ્વર !!” હું ફક્ત આટલુ જ બોલી શક્યો.

થોડીવારે કળ મળતા હુ બોલ્યો, ” પણ હુ આ બધા જન્મો જીવી ગયો હોય હુ એ બધુ ભુલી કેમ ગયો ?”

“કારણકે તુ હંમેશા તારી જાતને નવા પાત્ર સાથે એવો જોડતો રહ્યો કે તુ તારો ભુતકાળ ભુલતો રહ્યો. તારા જીવન વિશેની વાતમાં પણ તે હંમેશા હું ઉત્તમાનસ હતો હુ દિવાકર હતો એમ લખવાને બદલે અને હુ દિવાકર છુ હું ઉત્તમાનસ છુ એમ લખ્યુ છે. આટલી આસક્તિ હતી તારી તારા શરીર સાથે.” – જવાબ

“આ પ્રકારનુ પુસ્તક લખવાનો શો હેતુ છે ?”

“એટલા માટે કે તુ તેને વાંચી શકે અને જીવનની ક્ષણભંગુરતાને અને આધ્યાત્મિક સાધનાના મહત્વને સમજી શકે. એટલા માટે કે તુ સમજે કે તુ પહેલેથી જ કેટલાયે સત્યોને જાણે છે અને તારે એ વારંવાર જાણવાની કે ભુલવાની જરુર નથી. એટલા માટે કે તુ જાણે કે તુ જીવનમાં હાંસલ કરવા યોગ્ય બધુ જ કેટલીયે વાર હાંસલ કરી ચુક્યો છે અને તારે ફરીથી એ ભૌતિક સુખ પાછળ તારુ જીવન વેડફવાની જરુર નથી. એટલા માટે કે તુ એ જાણે કે તુ પહેલેથી જ બધી જ લાગણી અને ભાવોને અનુભવી ચુક્યો છે અને તારે આ જન્મમાં એની રાહમાં રહેવાની જરુર નથી. એટલા માટે કે તુ એ જાણે કે જીવનમાં એક જ કર્મ કે જે કરવાનુ હજી બાકી છે તે છે પરમ ઈશ્વરની સાધના અને મુક્તિ. અને તારા જીવનનો મુળ હેતુ જ આ મુક્તિનો છે.”

“પણ કોઈ તે શિખતુ નથી.”

“ના, એવુ નથી. કેટલાક જલ્દી શીખે છે ને કેટલાક ધીમે. પરંતુ અંતે તો સહુ ત્યાં જ પહોચવાના છે.”

“પરંતુ હવે હુ શીખી ગયો. મારા જીવનનો ઉદ્દેશ સફળ થયો.”

“ના, જાણવુ અને જીવવુ એ બંને અલગ બાબત છે. ખરી સાધના એને જીવી બતાવવામાં છે.”

“પરંતુ તો હુ આ બધી અત્યારે જ કેમ સમજ્યો ?”

“કારણકે પહેલા તે જીવન સાધના પુસ્તકને વાંચવાની તસ્દી નહોતી લીધી.”

“એટલે કે અંતરાવલોકન , ખરુ ને ?”

“હા, સ્વનુ સાક્ષીભાવથી અવલોકન.”

“શુ મુક્તિ માટેની સાધનાનો કોઈ નિશ્ચિત સમય છે ?”

“ના, જો વ્યક્તિ તેના મુળ સ્વરુપમાં સ્થિર રહે તો મુક્તિ એક ક્ષણમાં પણ મળી શકે.”

“લાગે છે મારા બધા પ્રશ્નો દુર થયા છે. પ્રભુ મને તમારો આશિર્વાદ આપો.”

અને આમ હુ ફરી અહી આવ્યો છુ નવુ જીવન જીવવા , નવા સત્યો જાણવા , જાણેલા સત્યોને યાદ કરવા, આત્મ સાક્ષાત્કાર કરવા અને જીવન સાધના પુસ્તકના અંતિમ પાને આવુ કંઈક લખવા…

હું પરમ શુધ્ધ આત્મા છું…

“આ જરુર રામાયણના ધોબીની વાત છે ! એ જ હોવી જોઈએ.. અયોધ્યા,વશિષ્ઠ આશ્રમ, મોટો પુત્ર, વનવાસ, અપહરણ,લંકા.. આ બધુ તો રામાયણનો ભાગ છે!” મે વિચાર્યુ.

“પણ મને પેલા ધોબી વિશે કશો ખ્યાલ નહોતો. હમમ.. તો એ જ્ઞાની હતો અને કિર્તિની મહત્વાકાંક્ષાને લીધે તેણે નનામો પત્ર લખ્યો. પરંતુ એક પત્રને કારણે રામે સિતાનો પરિત્યાગ કેમ કરી દીધો ?” હું વિચારતો હતો.

“બિચારો દિવાકર ! તેનો ઈરાદો આવો નહોતો. અને તેને પોતાના કૃત્ય બદલ પસ્તાવો પણ થયો હતો. બિચારો અંત સુધી પોતાની જાતને ધિક્કારતો રહ્યો. પોતાના કૃત્યનુ તેને પુરતુ ફળ મળી ગયુ. ભગવાન તેની આત્માને શાંતી આપે” મે પ્રાર્થના કરી.

~                             ~                            ~

હું વજ્રચિત્ર છુ. મારા પિતા એક બહાદુર ક્ષત્રિય સૈનિક હતા. તેમણે કેટલાયે યુધ્ધ લડ્યા અને જિત્યા હતા. તેમણૅ મને બાળપણથી જ ભાલો ચલાવવામાં પ્રવિણ બનાવ્યો હતો. દસ વર્ષની ઉમરે હું વીસ હાથ દુરથી લક્ષને વિંધી શકતો. યુવાન થઈને હું મહેલનો રક્ષક બન્યો.

એક દિવસ હુ આયુધશાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે અમારા બે યુવરાજ ત્યા આવ્યા. બંને ઝગડો કરતા હતા કે કોણ સારો નિશાનેબાજ છે. પહેલા યુવરાજ લક્ષ વિંધે એ પહેલા મેં મારા ભાલાથી લક્ષ વિંધી નાખ્યુ. એમાના એક યુવરાજ બહુ ક્રોધિત થયા. મેં કહ્યુ કે હુ તો ફક્ત મારો અભ્યાસ કરતો હતો અને શસ્ત્રવિધામાં સ્પર્ધા યોગ્ય નથી. એ યુવરાજે મને સજા કરવાની ધમકી આપી કાઢી મુક્યો. “જો ફક્ત એક દિવસ માટે પણ મને સત્તા મળે તો આ નાકે ચઢેલા યુવરાજને હુ બતાવી દઈશ કે હું કોણ છુ..” મે વિચાર્યુ.  પરંતુ જ્યારે ખરો સમય આવ્યો ત્યારે હું એ કરી ન શક્યો.

મને રાણીજીના મહેલનો મુખ્ય રક્ષક નિયુક્ત કરવામા આવ્યો હતો. એ દરમિયાન હુ ઘણીવાર રાણીજીને મળતો. તેઓ તેજોમય આંખો, કાળા ભમ્મર કેડ સુધી આવતા વાળ ધરાવતા સુંદર નારી હતા. તેઓ વેદોના અને શસ્ત્રવિધાના જાણકાર હતા. પરમ સ્નેહમય એવા તેઓ સહુને પ્રેમથી બોલાવતા. હું તેમનો ખુબ આદર કરતો.

એક દિવસ તેઓએ ખુબ ચિંતિત અવસ્થામાં આવીને મને કહ્યુ,”હે વજ્રચિત્ર, રાજદરબારમાં જઈ કૃપા કરીને એવુ કરો કે મારા પતિ ધર્મથી વિપરીત કશુ ન કરે. મને બહુ અયોગ્ય એવી સ્ફુર્ણા થાય છે. મને ઘણુ આશ્ચર્ય થયુ. તેમના પતિ ધર્મપરાયણ હતા. હજુ તો હુ કશુ આગળ વિચારુ એ પહેલા યુવરાજ ત્યાં એલફેલ બોલતા આવી પહોચ્યા.

“હવે જ્યારે તારા પતિઓ તને જુગારમાં હારી ગયા છે ત્યારે તુ મહારાણી નહી એક દાસી છે. તારુ અભિમાન બાજુએ મુકીને એક દાસીની જેમ મારી સાથે આવ. હુ તારો નવો માલીક છુ. મારા મોટાભાઈ તારા નવા પતિ થશે.” એ પાગલોની જેમ બોલતો રહ્યો.

બહુ થયુ. આવો જંગલી વ્યવહાર હું કેમ સાંખી શકુ ? પછી ભલે સામે યુવરાજ કેમ ન હોય ? “યુવરાજ, તમારી વાણીને સંભાળો. તમે મહારાણી સાથે વાત કરી રહ્યા છો.” મે તેને પડકાર્યો.

“એ હવે મહારાણી નથી રહી. તેના પતિઓ તેને જુગારમાં હારી ગયા છે. હવે એ એક દાસી છે. અને હુ તેની સાથે એ જ રીતે વર્તિશ.અને તારે વચ્ચે પડવાની જરુર નથી.તુ તારુ કામ સંભાળ”

“યુવરાજ, જો તમારે વાત કરવી હોય તો સભ્યતાથી કરો. આખરે એ રાણી ન હોય તો પણ તમારા ભાભી છે. તમે તેમની સાથે આવુ વર્તન ન કરી શકો” હુ ગરજ્યો.

“તુ, એક રક્ષક મારી સાથે ઉંચા અવાજે વાત કરે છે ? તારી આ હિમ્મત ?” તેઓ ક્રોધથી બોલ્યા.

હુ થોડો ક્રોધિત,થોડો ભયભિત,થોડો અચંબિત હતો. મને શુ કરવુ એ જ નહોતુ સમજાતુ. શુ છે મારો ધર્મ ? યુવરાજ નો વિરોધ કરવો અને સજા પામવી ? મહારાણીને અપમાનિત થઈ જતા જોઈ રહેવુ? શુ કરવુ?

મેં છેલ્લી વાર યુવરાજને રોકવાનો પ્રયત્ન કર્યો. “હુ તમને મહારાણીને મહેલની બહાર નહી લઈ જવા દઉ.” મે મારો નિર્ધાર જણાવ્યો.

“છોડ એ વાત. હુ એક દગાખોર રક્ષકને તેનુ ઈનામ આપવા જઈ રહ્યો છુ. હવે તને કાળ પણ નહી બચાવી શકે.” યુવરાજે ખુન્ન્સથી કહ્યુ.

એ યુવરાજ નાનપણથી જ બહુ અભિમાની અને ક્રોધી હતો. હુ તેને પહેલેથી ધિક્કરતો. અને આ પરિસ્થિતીમાં બે લોકો જોડાયેલા હતા, મહારાણી – જેનો હુ ખુબ આદર કરતો અને યુવરાજ – જેને હુ સહુથી વધુ ધિક્કરતો. “હું આજે યુવરાજને હરાવી ને તેના અભિમાનને ખંડિત કરીશ” મેં વિચાર્યુ.

મેં મારા ભાલાથી તેના પર પહેલો હુમલો કર્યો. પણ તે તૈયાર હતો. તેણે ગદાથી એ પ્રહાર જિલ્યો અને વળતો પ્રહાર કર્યો. એ પ્રહારે મારી પીઠને બહુ ખરાબ રીતે જખમી કરી. હૂ ઉભો થઈ ફરી લડવા લાગ્યો. એ ગાળો બોલતો, પાગલોની જેમ હસતો

હસતો મારા પર પ્રહાર કરતો રહ્યો. થોડા સમયમાં જ મારુ બળ ઓસરવા લાગ્યુ.મને થયુ કે રાણીજીના પતિઓ જો પાછા ફરે તો કદાચ મને બચાવી શકે. પરંતુ એ પહેલા એક જીવલેણ પ્રહારથી હુ રાણીજીના ચરણોમાં પડી ગયો.

“મને માફ કરજો, રાણીજી ! હું તમને બચાવી ન શક્યો.” હુ પિડા અને દુઃખથી રડતા રડતા બોલ્યો. મે વિચાર્યુ, હુ આ લડાઈ શેના માટે લડ્યો ? ધર્મ માટે ? કે પછી મારા બદલા માટે ? મને તેનો જવાબ મળે એ પહેલા હુ મારા જ ભાલાથી વિંધાઈ ગયો અને મૃત્યુ પામ્યો.

~                          ~                                ~

“હમમ..તો આ દ્રૌપદીના રક્ષકની જીવનકથા હતી ! અને એ યુવરાજ ચોક્કસ દુઃશાસન હોવો જોઈએ. દુઃશાસન એટલે જેને કાબુમાં રાખવો મુશ્કેલ છે તેવો.” હું આ કોયડો ઉકેલીને હરખાઈ ગયો.

“મને આ કથાઓ ખુબ જ ગમી. જાણે એમણે મારા જીવનમાં કશુક ઉમેર્યુ છે.” મે વિચાર્યુ.

આટલામા આજુબાજુનો પ્રકાશ એટલો બધો વધી ગયો કે મારાથી આંખ ખુલ્લી રાખવી મુશ્કેલ થઈ ગઈ. એટલે હું આંખો બંધ કરી વિચારવા લાગ્યો.

“હું કોઈ જુદી જ અવસ્થામાં છુ?” – પ્રશ્ન.

મારી અંદરથી, સમજાવી ન શકાય એવો જવાબ આવ્યો. “હા”

“શું આ એ જ છે જેને લોકો અંતઃસ્ફુર્ણા કે પછી ધ્યાન કહે છે ?”

“હા” – પાછો એવો જ જવાબ.

હું ખુબ રોમાંચીત થઈ ગયો. લોકો આને આત્માનો અવાજ, સહુની અંદર રહેતા પ્રભુનો અવાજ, જાત સાથેનો સંવાદ,અંતઃસ્ફુર્ણા ,ભ્રમણા એમ અનેક રીતે આલેખે છે. એ જે પણ હોય, હુ તેને જાણવા અને અનુભવવા માંગતો હતો.

“હું ક્યાં છુ ?” મેં પુછ્યુ.

કશો જ જવાબ નહી !! લાગે છે આ અંતઃસ્ફુર્ણા કે પછી આત્માનો અવાજ ફક્ત હા ના માં જવાબ આપે છે. વાંધો નહી, એક ચાલાક સવાલ પુછવા દે.

“મને વિસ્તૃત જવાબો મળી શકે ?” મે પુછ્યુ.

“હા” !!

હા, મળી શકે !! જરુર કોઈ રસ્તો હોવો જોઈએ. મે એકાગ્ર થઈને તેના વિશે વિચાર્યુ. અને મને સમજાયુ. ફક્ત દ્રષ્ટી બદલવાની, સુક્ષ્મ સ્તર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરુર હતી. પછી જેટલુ જાણવા માગો એટલુ મળી શકે. બહુ પ્રયત્નો પછી મને હા ના કરતા થોડો વિસ્તૃત જવાબ મળવા લાગ્યો. અને હુ એ રહસ્યમય કોયડો ઉકેલવા લાગ્યો.

“હુ ક્યાં છું ?” મે વિચાર્યુ.

“આ જ્ગ્યા ખુબ તેજોમય છે પણ આ પ્રકાશનો ઉદભવ ક્યાથી થાય છે એ ખ્યાલ નથી આવતો. લાગે છે જાણે આ પ્રકાશ દરેક બાજુથી આવી રહ્યો છે. અહી આસપાસમાં કોઈ જ નથી લાગતુ. ખબર નહી હુ અહી કેવી રીતે પહોચ્યો ?” મને કશુ યાદ ન આવતા મે એ પ્રયત્ન છોડી દીધો.

“હમમ.. તો હુ કોઈ પુસ્ત્તક વાંચી રહ્યો હતો..” મે પુસ્તકને ફેરવી તેનુ નામ વાંચ્યુ.

જીવન સાધના – પુસ્તકનુ નામ. લાગે છે આ જીવનકથાઓનુ પુસ્તક છે. પરંતુ જેમના જીવન આમા આલેખાયેલા છે એ લોકો કોણ હતા ? હું બ્રહ્મવેતસ અને ઉત્તમાનસ ને તો ઓળખતો નહોતો પરંતુ મને તેમના જીવન વિશે વાંચવામા બહુ આનંદ થયો. મને આ જગ્યા, અહીની નિરવતા અને મારી પરિસ્થિતી વિશે ખાસ યાદ નહોતુ આવતુ એટલે આ એકલતામા એ પુસ્તક વાંચવાનુ એકમાત્ર કામ શરુ કર્યુ. પણ પુસ્તક ઘણુ જાડુ હતુ એટલે મેં તેના અમુક પાના છોડીને તેને મધ્યભાગમાંથી વાંચવાનુ શરુ કર્યુ.

~                 ~               ~

હું દિવાકર છુ. દિવાકર સૂર્યનારાયણના બાર નામોમાનુ એક નામ છે. દિવાકર એટલે જે વિશ્વને તેજોમય બનાવે અને અંધકારને દુર કરે. પરંતુ આનાથી વિપરીત, મારુ આખુ જીવન અજ્ઞાનતા અને પશ્ચાતાપમાં વિત્યુ.

હુ એક ધોબીનો પુત્ર હતો. મારા બાળપણથી જ હું કપડા ધોવાનુ શીખી ગયો હતો. મને પહેલેથી જ અભ્યાસ પ્રત્યે બહુ લગાવ હતો. પરંતુ મારા પિતાજીએ મને કદી અભ્યાસ માટે ન મોકલ્યો. તેઓ કહેતા “આપણે શુદ્રોએ બહુ અભ્યાસ કરવાની શી જરુર ? એ કામ ઉંચી જાતના લોકોનુ છે.” હુ એ કદી ન સમજી શકતો કે કોઈ જાતી અભ્યાસની યોગ્યતાનુ પ્રમાણ કેવી રીતે હોઈ શકે?

હું જ્યારે બાર વર્ષનો હતો ત્યારે મને અભ્યાસની એક તક મળી. વશિષ્ઠ આશ્રમમાં નાના અને બિમાર બાળકોના કપડા ધોવા માટે કોઈની જરુર હતી. મેં એ કામ ખુશીથી ઉપાડ્યુ. એ આશ્રમમાં પ્રવેશ કરતા જ તેની હવામા મને જ્ઞાન અને શાંતિના

બીજ દેખાયા. અહી મોટા રાજાઓ, ક્ષત્રિયો, બ્રાહ્મણો અને વૈશ્યના પુત્રો અભ્યાસ કરતા હતા. અમારા રાજાના ચાર પુત્રો પણ અહી જ ભણતા હતા. હું આશ્રમમાં જ મારો સમય વિતાવવા લાગ્યો. હું રાત્રે કપડા ધોતો અને દિવસે નજીકમાં છુપાઈને ગુરુજીની વાત સાંભળતો. આ રીતે હું ઘણુ શિખ્યો.

એક દિવસ હું છુપાઈને ગુરુજીની જ્ઞાનમય વાતો સાંભળતો હતો ત્યારે એક શિષ્ય મારો હાથ પકડી મને ગુરુજી સમક્ષ લઈ આવ્યો. હું ખુબ જ ડરી ગયો. મને થયુ નક્કી હવે મને સજા થશે. પણ એ શિષ્યે ખુબ પ્રેમભરી વાણીમાં કહ્યુ, “ગુરુજી, આ મિત્ર અભ્યાસ કરવા ઈચ્છે છે પરંતુ કોઈ ડરને કારણે એ તમારો શિષ્ય નથી બન્યો. એ રોજ અહી નજીકમાં છુપાઈને તમારુ શિક્ષણ લે છે. કૃપા કરીને એને તમારો શિષ્ય બનાવો.” ગુરુજીએ મારા વિશે પુછ્યુ. મેં જણાવ્યુ કે હુ ધોબીનો પુત્ર છુ. તેમણે મને પુછ્યુ કે હું શા માટે ભણવા માંગુ છુ. મેં કહ્યુ,” જ્ઞાનપ્રાપ્તિ અને પ્રભુસાધના એ કોઈ પણ જીવનો ધર્મ છે.” મને ખુદને ખ્યાલ ન રહ્યો કે આ શબ્દો ક્યાંથી અને કેવી રીતે બોલાઈ ગયા. ગુરુજી એ સાંભળી બહુ પ્રસન્ન થયા. તેમણે કહ્યુ, ” જાતી નહી પણ વ્યક્તિની જ્ઞાન-પિપાસા તેના અભ્યાસ માટેની લાયકાત છે. પવિત્ર હ્રદય અને સરળ ચિત્ત વાળી વ્યક્તિ સર્વ જ્ઞાન મેળવી શકે. હું તને મારા શિષ્ય તરીકે સ્વિકારુ છુ. હવેથી આશ્રમમાં રહે અને સત્યને જાણ.

હું એ શિષ્યનો આભાર માનવો ગયો પણ એ ચાલ્યો ગયો હતો. પછીથી મને જાણ થઈ કે તે અમારા રાજાશ્રી નો મોટો પુત્ર હતો. આશ્રમમાં હું વેદ, ઉપનિષદ, પુરાણ, સંહિતા, દર્શન, શાસ્ત્રો વગેરે શિખ્યો. હું જ્યારે ૨૨ વર્ષનો થયો ત્યારે મારા પિતાના ખરાબ સ્વાસ્થ્યને કારણે મારે પાછા જવુ પડ્યુ. એ પછી હું આશ્રમમાં પાછો ન જઈ શક્યો. હું મારા ભાઈ-બહેનોમાં સહુથી મોટો હતો અને એ જવાબદારીએ હુ ધોબીનું કામ કરવા લાગ્યો.

આમ મારુ જીવન લગભગ ૪૦ વર્ષ સુધી કોઈ ખાસ બનાવ વગર પસાર થયુ. આ બધા વર્ષો દરમિયાન હું મારું જ્ઞાન વહેચવા આતુર હતો પરંતુ કોઈ તેને સાંભળવા કે શિખવા તૈયાર ન હતુ. મારા સગા અને મિત્રોએ તેમની અજ્ઞાનતાને લીધે મને ન બિરદાવ્યો અને બાકીના જ્ઞાની લોકોએ મને એટલે ન સાંભળ્યો કારણકે હુ ધોબી હતો ! કેટલી કરુણ વિવશતા ! મારા દિવસો લોકોને સત્ય અને જ્ઞાન આપવાના સપનામાં વ્યતિત થતા.

અંતે એ તક આવી. અમારા રાજાના મોટા પુત્ર થોડા સમય પહેલા જ તેમની રાણી અને ભાઈ સાથે વનમાં રહી પાછા આવ્યા હતા. એ સમય દરમિયાન લંકાના રાજાએ તેમની રાણીનુ અપહરણ કર્યુ હતુ. તેમણે લડાઈમાં લંકાપતિને હરાવી રાણીજીને મુક્ત કર્યા હતા. હવે એ અમારા નવા રાજા હતા. મેં

તેમને ધર્મ બાબતે સલાહ દેવાનુ વિચાર્યુ. તેમની સમક્ષ જઈને કહેવા જેટલી હિંમત મારામાં ન હતી એટલે મેં તેમને નામ વગરનો એક પત્ર લખ્યો.

હે મહાન રાજા રઘુના વંશજ !

પ્રણામ ! હું તમારો પ્રજાજન અને હિતેચ્છુ છુ. હુ તમને ધર્મ અને આચરણ બાબતે કશુ કહેવા માંગુ છુ. અમે સહુ તમારી લંકાપતિ સાથેની લડાઈથી પરિચિત છીએ. તમે ખરે જ એ લડાઈ જીતીને તમારા કૂળનું ગૌરવ ઉજાળ્યુ છે. પરંતુ રાણીજીની વૃત્તિ પરિક્ષા વગર તેમને સ્વિકારીને તમે તમારો ધર્મ ભુલ્યા છો. એક યશસ્વિ પુરુષે હંમેશા પવિત્ર, સાત્વિક અને શુભને ગ્રહણ કરવા જોઈએ. રાણીજી ઘણો સમય લંકામાં રહ્યા છે. તેમણે જાણતા-અજાણતા કોઈ તામસિક, અપવિત્ર વૃત્તિ ગ્રહણ કરી પણ હોય. આપણા શાસ્ત્રો મુજબ કોઈ વસ્તુ કે વ્યક્તિને સ્વિકારતા પહેલા તેમની તામસિક અને અપવિત્ર વૃત્તિને દુર કરવી જોઈએ. એ વ્યક્તિએ એકાંતમાં રહી પોતાના ગુણ-દોષ જોઈને પવિત્ર બનવુ જોઈએ.

આથી હે રાજન ! હું એક જ્ઞાની અને નિતિવાન વ્યક્તિ તરીકે તમને સલાહ આપુ છુ કે તમે ધર્મના માર્ગે ચાલો અને રાણીજી પ્રત્યેની માયાને ત્યાગીને તેમને ચિત્તવૃત્તિ-નિરોધ માટે પવિત્ર સ્થળે એકાંતવાસ માટે મોકલો.

તમારો હિતેચ્છુ

મને આવા પત્ર લખવાના પરિણામનો સહેજે ખ્યાલ નહોતો. એક સ્થિતપ્રજ્ઞ અને આદર્શ એવા અમારા રાજાએ તરત જ રાણીજીનો ત્યાગ કર્યો. તેમના મતે જો પ્રજામત રાણીજીની વિરુધ્ધ હોય તો એક રાજાએ રાણીનો ત્યાગ કરવો જ રહ્યો. ગર્ભવતી એવી રાણીજી જંગલમાં ગયા. આખી નગરી શોકમાં ડુબી ગઈ.

જે કામ મે ફક્ત મારી કિર્તિ-પિપાસા સંતોષવા માટે કર્યુ હતુ એનુ પરિણામ આટલુ ભયંકર આવ્યુ. એક તરફ એ રાજા હતા જેમણે બાળપણમાં ગુરુજીને કહીને મને તેમનો શિષ્ય બનાવ્યો હતો અને એક હું હતો જેણે એક કુવિચારથી સહુને દુઃખની ગર્તામાં ધકેલી દીધા હતા. સહુ લોકો એ અનામી પત્ર મોકલનારને ધિક્કારતા રહ્યા. હું પણ મૃત્યુ સુધી એ વ્યક્તિને ધિક્કારતો રહ્યો.

દરેક દિવાકરને વિશ્વને ઉજાળવાનુ સૌભાગ્ય નથી મળતુ. કેટલાક દિવાકર જીવે છે અજ્ઞાનનુ અંધારુ ફેલાવવા માટે ! ખરે જ, હું એમાનો જ એક હતો.

~                ~                 ~

જ્યારે મારુ સાહિત્ય સર્જન હજુ બંધ નહોતુ થયુ ત્યારની એટલેકે  ૨૦૦૪ ની વાત છે. મને કર્મનો સિધ્ધાંત અને પૂનર્જન્મ વિશે જાણવાની ઈચ્છા થઈ અને તેમાથી સર્જાઇ એક વાર્તા. મુળે તે અંગ્રેજીમા લખાઇ. ત્યારબાદ ૨૦૦૮ માં રીડગુજરાતી વાર્તા-સ્પર્ધામાં ભાગ લેવા માટે મેં આ વાર્તાનો ભાવાનુવાદ કર્યો. વાર્તા-સ્પર્ધામાં મને ૩૦૦ માથી ૧૩૫ માર્ક્સ મળ્યા. એમાના એક નિર્ણાયકને એ વાર્તા ઘણી ગમી અને તેમણે ૫૫ માર્ક્સ આપ્યા. ખૈર, ઘણા સમયથી તેને બ્લોગ પર મુકવાની ઇચ્છા હતી. પરંતુ વાર્તાની લંબાઇ જાંણી અટકી જતો હતો. પછી થયુ, ૩-૪ ભાગમાં જ મુકીશ. તો, અંતે એ રુડો અવસર આવી પહોચ્યો. હવે હુ અટકુ. મારી વાત મારી વાર્તા કહેશે.

~                                ~                                ~

મારુ જીવન સ્વૈત રંગ સમાન નિર્મળ છે. હું બ્રહ્મવેતસ છુ. મારા પિતાજી યોગોધર એક ઋષી હતા. મારા માતા સન્નિધી શ્રી હરીના ભક્ત હતા. હુ જ્યારે તેમના ગર્ભમાં હતો ત્યારે એમણે શ્રીમદ ભાગવત પુરાણ અને ભગવદ ગીતાનુ પઠન કર્યુ હતુ. લોકો કહે છે કે હું વૈદિક સંસ્કાર સાથે જ જનમ્યો હતો. મારું બાળપણ તો યજ્ઞ,વૈદિક રુચાઓ અને સ્વયં-શિસ્ત ના પાઠોમાં જ વ્યતિત થયુ. મારા પિતાજીએ મને બ્રહ્મ અને મોક્ષ વિશે શિક્ષણ આપ્યુ. દરેક જીવના જ્ન્મ પાછળનો મુખ્ય હેતુ પરમ તત્વ ને જાણીને તેના મય થવાનો છે તે સમજાવ્યુ. હું એ પરમના પથની સાધનામાં અગ્રેસર હતો ત્યારે અચાનક કંઈક અજુગતુ બન્યુ.

થયુ એવુ કે એક દિવસ પિતાજીના કામથી હું બાજુનાં ગામે ગયો હતો. પાછા ફરતા થોડુ અંધારુ થઈ ગયુ હતુ. એ ગામના રસ્તે થોડો વનપ્રદેશ પણ આવતો હતો. અચાનક મને કોઈ જંગલી પશુની ત્રાડ સંભળાઈ. જોકે તે ત્રાડ ડરાવણી કરતા વધુ દયામણી હતી. મે ઝાડીઓમાં જઈને જોયુ તો એક સિંહણ અને તેના બે બહુ નાના બચ્ચા હતા. એ સિંહણ એટલી તો કમજોર હતી કે મને જોઈને તેણે ઉભા થવાનો પ્રયત્ન કર્યો પણ થઈ ન શકી. ચન્દ્ર નાં અજવાળામાં મે જોયુ કે તેના બે પગ અને હાંસળી ભાંગી ચુકી હતી. તેના કારણે તે થોડો સમય શિકાર નહોતી કરી શકતી. અત્યારે તે અને તેના બચ્ચા ભુખને કારણે લગભગ મરવા પડ્યા હતા.

“હું આ જીવોને શી મદદ કરી શકુ?” મે વિચાર્યુ. એક જ રીતે હું તેમને મદદ કરી શકુ – મારી જાત સોંપીને. એ ક્ષણમાં જ મેં નિર્ણય કરી લીધો. મારો ધર્મ, મારુ કર્તવ્ય કહે છે આ જીવોની મદદ કરવાનુ. મે મનોમન પ્રાર્થના કરીઃ “હે પૂજ્ય માતા પિતા, તમે મને વૈદિક સંસ્કારો આપ્યા છે કે જે સહુ જીવોને મિત્ર માની મદદ કરવાનુ કહે છે. હું ભાગ્યશાળી છુ કે મને માતા પિતા રુપે તમે મળ્યા. પરંતુ તમારી સેવા કરવાની મારી ઈચ્છા અધુરી જ રહી ગઈ. હૂ પ્રભુને પ્રાર્થના કરુ છુ કે આવતા જન્મે તમે જ મારા માતા પિતા બનો જેથી હું તમારી સેવા કરી ઋણમુક્ત બનુ.

સહુને છેલ્લા પ્રણામ કરીને હુ એ સિંહણની નજીક ગયો અને ત્યાં જ સુઈ ગયો. સિંહણે ફરી ઉભા થવાનો પ્રયત્ન કર્યો પણ થઈ ન શકી. ત્યારે મેં એક અણીયાળો પથ્થર લીધો અને મારા હાથમાં મારીને લોહી કાઢ્યુ. જ્યારે થોડુ લોહી તેના મુખમાં ગયુ ત્યારે તેનામા થોડી તાકાત આવી અને તે ઉભી થઈ. છેલ્લી વાત જે મને યાદ રહી એ તેની આંખોમાં આવેલી અજબ ચમક અને મારા મનમાં ઘુમતો એકમાત્ર વિચાર – “મેં તેમને બચાવ્યા”

~           ~          ~

ક્યારેક આપણે નિયતીના પથ પરથી કેટલા દુર ચાલ્યા જઈએ છીએ ! લોકો કહે છે પૂર્વ જન્મનાં સંસ્કાર એના માટે જવાબદાર છે. હું કહુ છુ ખુદ નિયતી એના માટે જવાબદાર છે.

હું ઉત્તમાનસ છુ. હૂં સંત દેવેશ્વર અને દેવી પૂર્ણીમાનુ સંતાન હતો. મારા માતા પિતા શ્રી હરીના પરમ ભક્ત હતા. મને તેમના માટે બહુ ગૌરવ હતુ. નાનપણથી જ મને જૂઠ સામે સખત નફરત હતી. હું કોઈપણ જૂઠાણાને સાંખી જ ન શકતો. હું હંમેશા સત્ય વચન બોલતો અને સહુ સત્ય જ બોલે તેનો આગ્રહ રાખતો. મારા ત્રણ પ્રાણપ્રિય મિત્રો હતા. તેઓ પણ નિતીવાન અને સત્યવચની હતા. અમે ચાર એકબીજાનો પડછાયો બનીને જીવતા.

એક દિવસ મારા મિત્ર શશીવ્રતે પાસેના જંગલમાં એક પર્યટનનુ આયોજન કર્યુ. શશીવ્રતને વનો અને પશુ-પંખીઓને જોવાનો બહુ શોખીન હતો, ખાસ કરીને સિંહ અને વાઘને જોવાનો. એ દિવસે અમે પાસેના વનના તળાવો, ડુંગરાઓ, ખીણ,વનલતાઓ બધુ જ જોઈ વળ્યા. પાછા ફરતી વખતે અમે આનંદથી વાતો કરતા હતા. અચાનક એક સિંહની ત્રાડે અમને બધાને ભયભીત કરી મુક્યા. અમે જોયુ તો એક સિંહ ભાગીને અમારા તરફ જ આવી રહ્યો હતો. ઘડીભર તો મને શુ કરવુ એ જ સુજ્યુ નહી. પછી સહુ શશીવ્રતની પાછળ ભાગ્યા. શશીવ્રતને જંગલમાંથી બહાર નિકળવાનો રસ્તો ખબર હતો. દોડતા દોડતા તેણે મને કહ્યુ કે નજીકમાં જ એક આદિવાસીઓની વસાહત છે. અમે ત્યાં માંડ-માંડ પહોચ્યા. ત્યાં નજીકમાં જ કેટલાક બાળકો રમી રહ્યા હતા. હજી તો અમારો સ્વાસ બેસે તે પહેલા એ સિંહ આવીને તેમાના એક બાળકને ઉઠાવીને અલોપ થઈ ગયો. અમે તો અવાચક થઈ ગયા. અમારા હોશકોશ ત્યારે જ પાછા આવ્યા જ્યારે કેટલાક આદિવાસીઓ બાળકોનુ રુદન સાંભળીને દોડી આવ્યા. બાળકોએ તેમને કહ્યુ કે અમારી પાછળ સિંહ આવ્યો અને પેલા બાળકને ઉઠાવી ગયો.આદિવાસીઓએ અમને પકડીને બાંધી દીધા અને તેમના સરદાર પાસે લઈ ગયા.

સરદારે સિંહ વસાહતમાં આવ્યો એ માટે અમને દોષીત ઠેરવ્યા અને અમને આકરી સજા આપવા વિશે વિચારવા લાગ્યા. મે તેમને સમજાવ્યા કે એ ફક્ત એક અકસ્માત હતો. અમારો ઈરાદો ફક્ત અમારો જીવ બચાવવાનો હતો. અમને હતુ કે વસાહત જોઈ સિંહ નજીક નહી આવે. પણ સરદાર પર આ દલીલની કંઈ જ અસર ન થઈ. હું ખુબ જ ક્રોધિત થઈ ગયો. આ ક્રુર અને ઘાતકી લોકો ! એ લોકો અમને સજા કરશે એ ઘટના માટે કે જેના પર અમારો કોઈ કાબુ નહોતો. મને થયુ નિર્ણયની ઘડી આવી છે. જો મારે અમારો જીવ બચાવવો હોય તો કંઈક કરવુ જ પડશે. મેં ત્યાં પડેલી તલવારથી એક સૈનિક પર પ્રહાર કર્યો. પરંતુ પેલા સરદાર બહુ સચેત હતા. તેમણે તેમના ભાલાથી મારા પર પ્રહાર કર્યો અને મને વિંધી નાખ્યો. એ ક્ષણે જ મને ખ્યાલ આવી ગયો કે મારુ મૃત્યુ નિશ્ચિત હતુ. “હે ઈશ્રર, મારી સાધના, મારુ લક્ષ્ય ! હું આટલી ઉચ્ચ અવસ્થાએ પહોચ્યો અને હવે નવા જન્મમાં બધુ નવેસરથી શરુ કરવુ પડશે ! આ બધુ જ પેલા ક્રુર આદિવાસીઓને કારણે ! હું આવતા જન્મમાં એ બધાને મારી નાખીશ. હુ વેરની આગમાં બળી રહ્યો હતો. મેં છેલ્લી વાર નફરતથી તેમને જોયા અને હુ અંધકારમાં વિલીન થઈ ગયો.

મારી માતૃભાષાને મારા પ્રથમ પ્રણામ. જેમ બાળકને પ્રથમ સ્નેહ એની માતા તરફથી જ મળે છે એમ જ મને ભાષા અને સાહિત્ય પ્રત્યેનો લગાવ મારી માતૃભાષા ગુજરાતી ભાષાથી જ શરુ થયો. શરુઆત થઈ હાઈકુ અને મુક્તકથી. દસમા ધોરણમા પહેલુ કાવ્ય લખ્યુ. વિષય – મૃત્યુ. ખબર નહી એ કઈ રીતે સ્ફુર્યો !! પછી બારમા ધોરણ સુધીમા ૩-૪ કાવ્યો લખ્યા. પણ ખરી શરુઆત થઈ કોલેજમાં. ત્યારે મારુ વાંચન પણ ઘણુ વધ્યુ હતુ. મારી સહુથી ઉંડી લાગણીઓ ઝીલાઈ છે એ સમયના કેટલાક સુંદર કાવ્યોમાં.

એમાની કેટલીક કૃતીઓ અહી રજુ કરવાની ઈચ્છા છે. સાથે સાથે મારા કેટલાક વિચારો ગુજરાતીમા રજુ કરવાનો પ્રયત્ન કરીશ. કોઈ ખાસ વિષય વિચાર્યો નથી. જે ગમ્યુ એનો ગુલાલ કરીશ..આશા રાખુ કે આ અનંતના પ્રવાસીની મુસાફરી હંમેશા પ્રગતીશીલ બની રહે…

શુભ યાત્રા…