Feeds:
Posts
Comments

Posts Tagged ‘રામાયણ’

થોડા સમય પહેલા મારી વાર્તા જીવન સાધના માટે કેટલીક કોમેન્ટ મળી હતી જેમાં મિત્ર બિહાગે કેટલાક સવાલ કર્યા હતા. મારી ઈચ્છા હતી કે તેના વિષે વિસ્તાર થી લખું અને મારા વિચારો જાણવું.

કોઈ પણ ઘટનાનું વિશ્લેષણ કરતા પહેલા એ જરૂરી છે કે એ ઘટના સમયની પરિસ્થિતિ, ત્યારના સામાજિક નિયમો, વિચારો, ખ્યાલો, પરંપરાને ધ્યાનમાં લેવામાં આવે. દરેક સમયનું એક સાપેક્ષ સત્ય હોય છે  અને એક સાપેક્ષ ધર્મ હોય છે કે જે તે સમય માટે યોગ્ય હોય છે. એ સાપેક્ષ સત્ય અને ધર્મ સમય બદલાતા અસત્ય અને અધર્મ બની શકે. માટે જ ત્રેતા યુગની ઘટનાને સમજવા માટે આપણે એ સમયની જીવનશૈલી વિષે થોડું મનન કરીએ.

રામાયણ માં મુખ્ય ત્રણ પ્રજાતિ વિષે કથા છે. માનવ (રામ, લક્ષ્મણ), વાનર ( હનુમાન, સુગ્રીવ, વાલી) અને રાક્ષસ (રાવણ, વિભીષણ ). આ ત્રણેય પ્રજાતિ અલગ અલગ લક્ષણો દર્શાવે છે. માનવ એ સભ્ય, નગર સંસ્કૃતિ વળી પ્રજા છે.  વા એટલે જંગલ અને નર એટલે માનવ. વાનર (વાંદરા નહિ) એ જંગલો માં રહેલી આદિવાસી પ્રજા છે. રાક્ષસ એ અસંસ્કૃત પ્રજા છે કે જે નગરમાં રહેવા છતાં જંગલ રાજને અનુસરે છે. જંગલ રાજ કે મત્સ્ય ન્યાય એટલે મોટી માછલી નાની માછલીને ખાય તેમ બળીયો નબળા પર રાજ કરે. જેમાં નબળા પાસે વિકાસની કોઈ તક ન રહે. મત્સ્ય ન્યાય એ પ્રાણીઓ માટે ઉચિત છે પરંતુ માનવો માટે નહિ. માનવો પાસે વિવેક બુદ્ધી છે જેનાથી તે ધર્મનું યથાયોગ્ય પાલન કરી શકે. એ ધર્મ દરેક માનવને કેટલીક ફરજો અને જવાબદારીઓ આપે છે. અને સમાજમાં ધર્મ નું આચરણ બની રહે એ માટે એ ફરજો પળાય એ જરૂરી છે.

નગર સંસ્કતિમાં કામવૃત્તિના ધર્મયુક્ત આચરણ માટે લગ્નપ્રથા આવશ્યક છે. રાક્ષસો લગ્ન પ્રથામાં માનતા નહોતા. નગર સંસ્કૃતિમાં હિંસા નબળાનું રક્ષણ કરવા અથવા સ્વબચાવ માટે જ ઉપયુક્ત ગણાતી. રાક્ષસો માટે હિંસા એ વિશ્વ પર રાજ કરવા માટેનું સાધન હતી. વાનર પ્રજાતિ કદાચ માનવ અને રાક્ષસના લક્ષણોની મધ્યે હતી. તેઓ વાનર કહેવાયા કારણકે તેઓ પશુ (વાંદરા) જેવું આચરણ કરતા. તેનો રાજા વાલી ખુબ જ બળવાન હતો અને પોતાનું એકચક્રી સરમુખત્યાર શાસન ચલાવતો હતો. તે તેના મંત્રીઓની સાચી સલાહ પણ સાંભળતો નહિ અને પોતાનું જ ધાર્યું કરતો. સુગ્રીવ સાથે તેણે કરેલા અન્યાયની વાત તેની સાક્ષી છે. ન તો તેણે સુગ્રીવને પોતાના બચાવમાં કશું કહેવાનો મોકો આપ્યો, ન તેણે બાદમાં પોતાના મંત્રીઓ અને હિતેચ્છુની વાત સાંભળી. હકીકતમાં સુગ્રીવ પોતે શોકમગ્ન હોવા છતાં મંત્રીઓ અને લોકોની ઈચ્છાને માન આપીને જ રાજા બન્યો હતો. છતાં પણ વાલી જયારે સુગ્રીવને મારીને કિષ્કિન્ધા માંથી કાઢી મુકે છે ત્યારે કે ત્યારબાદ પણ કોઈ મંત્રી તેને સાચી વાત જણાવતું નથી અથવાતો જણાવવાની હિંમત કરતુ નથી. એ દર્શાવે છે કે ત્યાની પ્રજા પર વાલીનો કેટલો ખોફ હતો ! વાલી સુગ્રીવની પત્નીને બંદી બનાવી તેને ભોગવતો હતો. કોઈ પણ રાજ્ય માટે આ પરિસ્થિતિ યોગ્ય નથી. આમ વાલી કિષ્કિન્ધામાં જંગલ રાજ ચલાવતો હતો.

વાલી વધ એ રામાયણની કેટલીક મહત્વની ઘટનાઓમાંની એક છે. રામ પર વાલીને અધર્મથી મારવાનો આક્ષેપ પણ મુકાય છે. કહેવાય છે કે વાલીને એવું વરદાન હતું કે તેની સામે યુધ્ધમાં જે લડવા આવે તેની અડધી શક્તિ વાલીમાં આવી જાય. કદાચ અહી રૂપકમાં એવું કહેવાયું હશે કે વાલી એટલો શક્તિશાળી હતો કે તેને જોતા જ સામેના યોદ્ધાની અડધી શક્તિ ક્ષીણ થઇ જતી. વાલીને છુપાઈને મારવાનું એક કારણ આ પણ અપાય છે. કહેવાય છે કે રામે બ્રહ્માના આ વરદાનનું માન જળવાઈ રહે તે માટે તેને સામેથી ન માર્યો.

રામને મર્યાદા પુરુષોત્તમ કહેવાયા છે. તેમણે રામાયણમાં અમુક પ્રસંગોને બાદ કરતા હંમેશા ધર્મની મર્યાદામાં રહીને આચરણ કર્યું છે. પરંતુ વાલી વધમાં તેમણે કૃષ્ણને ફાવે તેવું આચરણ કર્યું છે. વાલી જંગલ રાજ ચલાવતો હતો અને રામે તેને મારવા પણ જંગલ રાજનો જ રસ્તો અપનાવ્યો. કૃષ્ણે મહાભારતમાં હંમેશા જેવા સાથે તેવાનો નિયમ અપનાવ્યો છે. તેમના મતે અધર્મીને મારવામાં થયેલો અધર્મ પણ ધર્મ જ છે. પછી એ દ્રોણ વધ હોય, કર્ણ વધ હોય કે પછી દુર્યોધન વધ હોય. ભીમ જયારે દુર્યોધન સાથેના નિર્ણાયક યુધ્ધમાં દીર્યોધન ને જાંઘ પર ગદા પ્રહાર કરીને હરાવે છે ત્યારે બલરામ ક્રોધિત થઈને ભીમને મારવા દોડે છે. પરંતુ કૃષ્ણ તેણે અટકાવે છે અને પૂછે છે કે દુર્યોધન અને તેના ભાઈઓ જયારે અધર્મ આચરતા હતા ત્યારે તમે ક્યાં હતા? ત્યારે તમને ધર્મ નહોતો યાદ આવ્યો ? દુર્યોધનને આ રીતે મારીને ભીમે કોઈ અધર્મ નથી કર્યો. કૃષ્ણના જે કૃત્ય આપણે સહેલાઈથી પચાવી શક્યા તે જ કૃત્ય રામને હાથે થાય તો આપણે કેમ પચાવી નથી શકતા ? યાદ રહે, તેમને મર્યાદા પુરુષોત્તમ આપણે કહ્યા છે. તેમણે ક્યારેય ખુદ એવો દાવો કર્યો નથી. જો આપણે એવું માનીએ કે કૃષ્ણના યુગમાં એ યોગ્ય હતું પરંતુ રામના યુગ માં એ યોગ્ય નહોતું તો તે પણ સાચું નથી.

તાડકા વધ: વિશ્વામિત્ર જયારે રામ અને લક્ષ્મણને પોતાના યજ્ઞના રક્ષણ માટે લઇ જાય છે ત્યારે જંગલમાં તેમને તાડકા નામની રાક્ષસી મળે છે. તાડકા ઋષિઓના યજ્ઞ ભંગ કરીને સમગ્ર વિસ્તારમાં ત્રાસ વર્તાવતી હતી. વિશ્વામિત્ર રામને તેનો વધ કરવાનું કહે છે. પરંતુ રામ અચકાય છે. તાડકા રાક્ષસી હોવા છતાયે એક સ્ત્રી હતી અને વૈદિક સંસ્કાર મુજબ સ્ત્રીઓની હત્યા કરાવી એ ક્ષત્રિયો માટે વર્જ્ય હતું. વિશ્વામિત્ર રામને સમજાવે છે કે આ ધર્મસંકટમાં તેના અધાર્મિક વ્યવહારને જોવો જોઈએ,ના કે તે સ્ત્રી છે તે. અને રામ તેનો વધ કરે છે. આમ જયારે ધર્મના જ બે પહેલુઓ સામે આવે અને તેમાંથી કોઈ એક રસ્તો પસંદ કરવાનો હોય તો હંમેશા સમાજની દ્રષ્ટીએ વધુ ઉચિત રસ્તો જ પસંદ કરવો રહ્યો. બની શકે કે તે વ્યક્તિગત રીતે અયોગ્ય અથવા સમાજમાં નિંદાપાત્ર બને. તાડકા વધમાં રામ સમાજના લાભાર્થે સ્ત્રીને ન મારવાના વૈદિક સંસ્કારને છોડવા અને એ માટે પોતે સમાજની નજરમાં દોષિત ગણાવા માટે તૈયાર બને છે.

વાલી રામને ઘણા સવાલો કરે છે. એ કહે છે કે તમે અધર્મથી મને માર્યો છે. રામ કહે છે નાના ભાઈની પત્ની બહેન સમાન હોય છે. તેના તરફ દ્રષ્ટિ બગાડીને તે મોટો અપરાધ કર્યો છે. એ ઉલ્લેખનીય છે કે એ સમયમાં સુગ્રીવ મોટા ભાઈની પત્નીને પોતાની પત્ની તરીકે અપનાવી શકે છે પરંતુ વાલી નાના ભાઈ ની પત્નીને તેની મરજી વગર અપનાવે એ તે સમયમાં અધર્મ ગણાતો. રામ કહે છે જેણે ખુદ ડગલે ને પગલે અધર્મ આચર્યો છે તેણે અધર્મથી મરવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. એક રીતે આ વિધાન દ્વારા રામ એ સહુ અધર્મી સરમુખત્યાર રાજાઓને ચેતવણી આપે છે કે જો તમે અધર્મથી જીવશો તો અધર્મ કે ધોખાથી મરવા માટે પણ તૈયાર રહેજો. કદાચ રામ તેમના કૃષ્ણજન્મની પૃષ્ઠભુમી આ રીતે તૈયાર કરે છે. વાલી કહે છે કે મેં તમારું કશું બગડ્યું નહોતું, આપણી વચ્ચે કોઈ દુશ્મની નહોતી, છતા તમે મને કેમ માર્યો? આ દલીલ પણ ખોખલી છે. એ સમયના ક્ષત્રીય નો ધર્મ હતો કે અધર્મ અને અધર્મીનો નાશ કરે. આમ જોઈએ તો તાડકાએ પણ રામનું કશું બગડ્યું નહોતું પરંતુ માત્ર એ કારણે જ રામ તેને ન મારે એ કયો ન્યાય ?

એક સવાલ ઉઠે કે રામે વાલીને મળીને વાતની ખાતરી કેમ ન કરી? માત્ર સુગ્રીવને સાંભળીને ન્યાય કેમ કરી દીધો ? સહુ પ્રથમ તેમને સુગ્રીવની વાત યક્ષ કબંધ અને બાદમાં શબરી દ્વારા જાણવા મળી હતી. કબંધે સ્પષ્ટપણે આ ઝગડામાં વાલી દોષિત છે અને રામે સુગ્રીવ સાથે મિત્રતા કરાવી જોઈએ એવો ભાર મુક્યો હતો. એટલે કે વાલી અને સુગ્રીવનો પ્રશ્ન સહુને જ્ઞાત હતો. તેમણે એ પણ કહ્યું હતું કે રામ અગ્નિની સાક્ષીએ સુગ્રીવ સાથે મિત્રતાના શપથ લે જેથી કરીને સુગ્રીવ ફરી પાછો જંગલ રાજમાં જીવવા ન માંડે અને એક સુસંકૃત સમાજની રચના કરે.  રામ તેમના વનવાસ દરમિયાન કોઈ નગરમાં પ્રવેશ કરી શકે તેમ નહોતા. તેઓ કદાચ લક્ષ્મણને મોકલીને બંને વચ્ચે સંધી માટેનો પ્રયત્ન કરી શક્યા હોત. જોકે વાલીએ પહેલેથી જ સમાધાનની કોઈ શક્યતા રહેવા દીધી ન હતી. એ વાત ઉલ્લેખનીય છે કે તેમણે ખુદ રાવણને સંધી માટેના પુરતા મોકાઓ આપેલા છે. ત્યાં સુધી કે લંકા યુદ્ધ દરમિયાન રાવણ શસ્ત્રહીન થઇ જાય છે ત્યારે રામ તેને જીવનદાન આપીને બીજા દિવસે ફરી લડવા આવવાની તક આપે છે. એ બતાવે છે કે આ કિસ્સામાં રામ અધર્મનો નાશ કરવા અધર્મ વાપરીને પણ વાલીનો વધ કરવા કેટલા તત્પર છે અને એ માટે પોતે સમાજની નજરમાં દોષિત ગણાવા માટે પણ પુરતા તૈયાર છે.

અહી એ પણ ઉલ્લેખનીય છે કે વાલી ખુદ મરતા પહેલા તેના પુત્ર અંગદને રામને હવાલે સોપીને જાય છે. કદાચ એ ડરથી કે સુગ્રીવ તેને મારી નાખશે. જોકે રામ એ સુનિશ્ચિત કરે છે કે વાલી ની પત્ની સતી તારા અને અંગદને પુરા માન સન્માન થી એ જ સ્થાન આપવામાં આવે જે પહેલા હતું. અંગદને યુવરાજ બનાવવામાં આવે છે. આમ રામ કીશ્કીન્ધામાં સભ્ય નગર સંસ્કૃતિ વિકસાવે છે. અંગદ જે રામે વાલીનો વધ કર્યો છે એ જ રામનો દૂત બનીને રાવણની સભામાં અપ્રતિમ સાહસ દેખાડે છે. એ સમયમાં કે જયારે આદિવાસી કે જંગલી પ્રજાતિઓમાં પોતાના પિતાની હત્યાનો બદલો લેવો એ દરેક પુત્રની મુખ્ય ફરજ ગણાતી. રામ પોતાના વ્યક્તિત્વ અને પ્રેમના બળ પર અંગદ ને પોતાનો વિશ્વાસુ બનાવી લે છે.

દરેક કર્મ તેનું સારું કે ખરાબ કર્મફળ છોડીને જ જાય છે. કહેવાય છે કે વાલીને આ રીતે છુપાઇને મારવાના કર્મફળને લીધે આવતા કૃષ્ણજન્મમાં વાલી પારધી બનીને કૃષ્ણને (અજાણતા) બાણ મારે છે. આપણા શાસ્ત્રોમાં આ જ તો ખાસિયત છે.  તેઓ દર્શાવે છે કે જ્યાં સુધી કર્તાભાવ રહે છે ત્યાં સુધી સહુ કોઈ કર્મફળ થી બંધાયેલા છે. પછી ભલે તે અયોધ્યાના રાજા રામ પણ કેમ ન હોય !

Advertisements

Read Full Post »